તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
અમેરિકામાં ભારતીયના ઘરમાં ગણપતિની મૂર્તિ જોઈને ફલેટ ખરીદવા આવેલો કસ્ટમર જતો રહ્યો

ટેક્સસ તા.૨૩: અમેરિકામાં ભારતવિરોધી ભાવનાઓ વધી રહી છે ત્યારે ટેક્સસમાં ઘર વેચવા કાઢનારા એક ભારતીય મૂળના મકાનમાલિકે જણાવ્યું હતું કે ઘરની હિન્દુ ધાર્મિક ઇમેજને કારણે તેમનું ઘર વેચવું મુશ્કેલ બની ગયું છે, જેને કારણે તેમને તેમના ઘરમાંથી ભગવાન ગણેશની મૂર્તિ દૂર કરવાની ફરજ પડી હતી. ઘર જોવા આવેલી એક પાર્ટી ઘરમાં મૂર્તિ જોઈને પાંચ મિનિટમાં જ ત્યાંથી નીકળી ગઈ હતી. ટેક્સસ હાઉસિંગ માર્કેટમાં વીઝા-પ્રતિબંધો સાથે જોડાયેલા સ્થળાંતરને કારણે મંદી આવી છે.
ભારતીય મૂળના રવિ વાવિલાલા ૨૦૨૩માં નોર્થ કેરોલિનાના શાર્લોટથી તેમના પરિવાર સાથે ટેક્સસના સેલિના વિસ્તારમાં આવ્યા હતા. સેલિનામાં ભારતીય પરિવારો મોટા પ્રમાણમાં વસ્યા છે. સ્થળાંતર કર્યાના થોડા સમય પછી રવિને સ્ટેજ-ફોર કેન્સર હોવાનું નિદાન થયું હતું અને બાદમાં તેમણે નોકરી ગુમાવી દીધી હતી. વધતા પડકારોનો સામનો કરીને પરિવારે ઘર વેચાણ માટે મૂક્યું હતું. જોકે ઘર વેચવું મુશ્કેલ સાબિત થયું હતું. એક સંભવિત ખરીદનાર ઘરની મુલાકાતે આવ્યો હતો, પરંતુ થોડી વારમાં જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. રવિના રિયલ એસ્ટેટ એજન્ટે કહ્યું હતું કે તેને ઘરની ધાર્મિક સજાવટ ગમી નહોતી, તમારે ઘરને ન્યુટ્રલ બનાવવું પડશે.
આ ફેરફારના ભાગરૂપે પરિવારે ભગવાન ગણેશની મૂર્તિ દૂર કરીને એને સ્ટોરેજ સુવિધામાં મૂકી હતી. ઘરને ન્યુટ્રલ બનાવવા છતાં ૩ મહિના પછી પણ કોઈ ઓફર મળી નથી અને હવે નુકસાન સાથે ઘર વેચવાનો વારો આવી શકે છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
