<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ચાલતી કારની છત પર કપડાં ઉતારીને કર્યો ખતરનાક સ્‍ટંટ

હિમાચલ પ્રદેશના કસોલમાં પ્રવાસીઓની શરમનાક હરકત : શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ પ્રવાસીઓ ચાલતી કારની બારીઓ બહાર લટકીને અને અર્ધ-નગ્ન હાલતમાં કારની છત પર જોખમી સ્‍ટંટ કરતા જોવા મળે છે

કસોલ,તા.૧૫: હિમાચલ પ્રદેશ નું સુંદર અને શાંત હિલ સ્‍ટેશન કસોલ પ્રકૃતિ પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્‍દ્ર રહ્યું છે. પરંતુ, હાલમાં આ શાંત ખીણો એક શરમજનક અને અત્‍યંત બેજવાબદાર કૃત્‍ય ને કારણે રાષ્ટ્રીય સ્‍તરે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર કસોલનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક બેફામ પ્રવાસીઓ સાંકડી અને ખતરનાક ખીણો ની વચ્‍ચે ચાલતા વાહનમાં અશ્‍લીલ અને જીવલેણ સ્‍ટંટ કરતા જોવા મળી રહ્યા છે. માત્ર ૨૧ સેકન્‍ડની આ વીડિયો ક્‍લિપે ઇન્‍ટરનેટ પર લોકોમાં ભારે આક્રોશ જગાવ્‍યો છે. લોકો આ પ્રવાસીઓની સુરક્ષા સામે તો સવાલો ઉઠાવી જ રહ્યા છે, સાથે જ 'દેવભૂમિ' ની પવિત્ર સંસ્‍કૃતિ ને કલંકિત કરવા બદલ તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો માં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે હુલ્‍લડબાજ પ્રવાસીઓનું એક જૂથ ચાલતા વાહનની અંદર અને બહાર જોખમી હંગામો મચાવી રહ્યું છે. આ ટૂંકી ક્‍લિપમાં કેટલાક પુરુષો વાહનની બારીઓ અને સનરૂફ (Sunroof) માંથી બહાર લટકેલા દેખાય છે. હદ તો ત્‍યારે થઈ જ્‍યારે તેમાંથી કેટલાક યુવાનો શર્ટલેસ (Shirtless / અર્ધ નગ્ન) થઈને પર્વતીય રસ્‍તાઓ પર પૂરપાટ ઝડપે દોડતી કારની છત પર ચઢીને નાચવા લાગ્‍યા હતા. આટલું જ નહીં, અન્‍ય એક યુવક કારના બાજુના દરવાજાની બહાર અડધો લટકેલી હાલતમાં બેઠેલો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્‍સ મેળવવા અથવા રીલ બનાવવાના ચક્કરમાં આ યુવાનો પોતાના અને રસ્‍તા પર ચાલતા અન્‍ય લોકોના જીવનના જોખમ થી તદ્દન અજાણ હતા.

આ વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X (જૂનું ટ્‍વિટર) પર લોકોનો ગુસ્‍સો ફાટી નીકળ્‍યો છે. એક યુઝરે આ વીડિયો શેર કરતા આકરા શબ્‍દોમાં લખ્‍યું કે, આજુબાજુના અન્‍ય પ્રવાસીઓ અને ત્‍યાંથી પસાર થઈ રહેલી સ્‍થાનિક મહિલાઓ ને તો જુઓ! આ કેવી હલકી કક્ષાની બેશરમી છે? આવા વર્તનને કોઈ પણ રીતે યોગ્‍ય ઠેરવી શકાય નહીં. આવા નફફટ લોકો આખા રાજ્‍યની છબી  ને કલંકિત કરે છે. પર્વતીય વિસ્‍તારોના સાંકડા અને ખતરનાક વળાંકવાળા રસ્‍તાઓ પર આવો હંગામો કરવો એ કોઈપણ મોટી દુર્ઘટનાને ખુલ્‍લું આમંત્રણ આપવા સમાન છે.

ઇન્‍ટરનેટ યુઝર્સે ઓનલાઈન અટેન્‍શન અને પોપ્‍યુલારિટી મેળવવાના આ ઘેરા ક્રેઝ સામે ગંભીર ચિતા વ્‍યક્‍ત કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા માટે લોકો પોતાના જીવની પરવા પણ કરતા નથી. પહાડોમાં આવા અવિચારી સ્‍ટંટ માત્ર સ્‍ટંટ કરનારાઓ માટે જ જીવલેણ સાબિત નથી થતા, પરંતુ ત્‍યાંથી પસાર થતા અન્‍ય નિર્દોષ વાહનચાલકો અને પ્રવાસીઓની સલામતી માટે પણ એક મોટો ખતરો ઊભો કરે છે.

હાલની સ્‍થિતિએ, આ સમગ્ર મામલે હિમાચલ પ્રદેશ પોલીસ અથવા સ્‍થાનિક વહીવટીતંત્ર ) દ્વારા કોઈ સત્તાવાર નિવદન બહાર પાડવામાં આવ્‍યું નથી, કે આ વાહનનું કોઈ ચલણ કાપવામાં આવ્‍યું છે કે નહીં તેની પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્‍થાનિક લોકો અને નેટીઝન્‍સ હિમાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી અને પોલીસ વિભાગને સતત ટેગ કરીને આ નફફટ પ્રવાસીઓ સામે કડક કાનૂની કદમ ઉઠાવવાની અપીલ કરી રહ્યા છે

(10:05 AM IST)