<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

૨૫ વર્ષ જૂનું કરજ ચૂકવવા કેરળથી તેલંગાણા પહોંચ્‍યો મિત્ર, ગૂગલની મદદથી શોધી કાઢયું મિત્રનું ઘર

આજકાલના સ્‍વાર્થી જમાનામાં જ્‍યારે લોકો ઉધાર લીધેલા પૈસા પરત કરવામાં આનાકાની કરે છે, ત્‍યારે કેરળના એક વ્‍યક્‍તિએ મિત્રતાની નવી પરિભાષા લખી : સાઉદી અરેબિયામાં સાથે કામ કરનાર મિત્ર પાસેથી ૨૫ વર્ષ પહેલાં લીધેલા પૈસા પરત કરવા માટે તે સેંકડો કિલોમીટર દૂર તેલંગાણાના જાગિત્‍યાલ સુધી પહોંચી ગયોઃ ગૂગલ અને સ્‍થાનિક લોકોની મદદથી તેણે પોતાના જૂના મિત્રના પરિવારને શોધીને ૨૫૦૦૦ રૂપિયા સોંપ્‍યા અને પોતાનું વર્ષો જૂનું વચન પૂરું કર્યું

પલક્કડ,તા.૧૧: આજના સ્‍વાર્થી યુગમાં જ્‍યાં લોકો નાની રકમ પરત કરવામાં આનાકાની કરતા હોય છે, ત્‍યાં એક કિસ્‍સાએ સૌના દિલ જીતી લીધા છે. કેરળના એક વ્‍યક્‍તિએ ૨૫ વર્ષ પહેલાં મિત્ર પાસેથી લીધેલા રૂપિયા પરત કરવા માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરી હતી. ઈન્‍ટરનેટ અને સ્‍થાનિક લોકોની મદદથી તેમણે મિત્રનું સરનામું શોધી કાઢ્‍યું અને પોતાનું જૂનું વચન પૂરું કરીને ઈમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.

કેરળના પલક્કડના રહેવાસી મોહમ્‍મદ ઈસ્‍માઈલ અને તેલંગાણાના જાગિત્‍યાલ જિલ્‍લાના ધર્મપુરીના વતની એડલા લચ્‍છન્ન લગભગ ૨૫ વર્ષ પહેલાં સાઉદી અરબમાં સાથે કામ કરતા હતા. તે સમયે અંગત જરૂરિયાતને કારણે ઈસ્‍માઈલે મિત્ર લચ્‍છન્ન પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. ભારત પરત ફર્યા બાદ કરજ ચૂકવવાનું વચન તેમણે મિત્રને આપ્‍યું હતું. સમય જતાં બંને મિત્રો એકબીજાથી અલગ થઈ ગયા અને સંપર્ક તૂટી ગયો હતો. ઈસ્‍માઈલ પાસે લચ્‍છન્નનો ફોન નંબર કે ચોક્કસ સરનામું નહોતું, છતાં તેઓ વર્ષોથી કરજ ચૂકવવાની તકની રાહ જોઈ રહ્યા હતા.

ઈસ્‍માઈલે આખરે પોતાનું વચન પૂરું કરવાનો નિર્ણય લીધો. તેમને માત્ર એટલી જ માહિતી હતી કે લચ્‍છન્નનું ગામ ધર્મપુરી છે. આ માહિતીને આધારે તેમણે ઈન્‍ટરનેટ પર શોધખોળ શરૂ કરી અને છેવટે તેલંગાણાના જાગિત્‍યાલ જિલ્‍લા સુધી પહોંચ્‍યા. સ્‍થાનિક લોકો સાથે વાતચીત કરીને તેમણે સખત મહેનત પછી લચ્‍છન્નનું ઘર શોધી કાઢ્‍યું. ઈસ્‍માઈલ જ્‍યારે ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે લચ્‍છન્ન કામના અર્થે વિદેશમાં હતા.

ઈસ્‍માઈલે લચ્‍છન્ન પરિવારને મળીને પોતાનો પરિચય આપ્‍યો. પરિવારના સભ્‍યોએ ફોન પર લચ્‍છન્ન સાથે વાત કરાવી. શરૂઆતમાં લચ્‍છન્નને કરજની વાત યાદ નહોતી, પણ મિત્રનો અવાજ સાંભળીને તેઓ ખૂબ ભાવુક થઈ ગયા. જૂની યાદો તાજી થઈ અને બંનેએ એકબીજાનો હાલચાલ પૂછ્‍યો. અંતે ઈસ્‍માઈલે ૨૫૦૦૦ રૂપિયા લચ્‍છન્ન પરિવારને સુપરત કર્યા. તેમણે જણાવ્‍યું કે આ રકમ તેમના મન પર વર્ષોથી બોજ હતી. હવે તે ચૂકવવાથી તેમને ઘણી રાહત મળી છે. લચ્‍છન્ન પરિવારે મિત્રની આ ઈમાનદારીના ખૂબ વખાણ કર્યા. આ ઘટના આજે સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની છે.

(9:52 AM IST)