<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

દિલ્હીમાં જામશે દિગ્ગજોનો મેળો: પુતિન ફરી ભારત આવશે, પશ્ચિમી દેશોની નજર!

સપ્ટેમ્બરમાં યોજાનારી BRICS સમિટ 2026 માટે તિન દિલ્હીની લેશે મુલાકાત : એક વર્ષમાં બીજી વાર ભારત આવી પુતિન દુનિયાને બતાવશે ભારત-રશિયાની અતૂટ મિત્રતા અને 'બહુધ્રુવીય વિશ્વ'નો નવો રોડમેપ

નવી દિલ્હી : વૈશ્વિક રાજનીતિના સમીકરણો ફરી એકવાર બદલાવા જઈ રહ્યા છે કારણ કે રશિયાના શક્તિશાળી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી 12-13 સપ્ટેમ્બર ના રોજ દિલ્હીના મહેમાન બનશે. બ્રિક્સ (BRICS) સમિટ 2026 માં તેમની હાજરી માત્ર એક ઔપચારિક મુલાકાત નથી, પરંતુ પશ્ચિમી દેશો માટે એક મજબૂત સંદેશ છે. ક્રેમલિનના ટોચના સહાયક યુરી ઉષાકોવે આ હાઈ-પ્રોફાઇલ મુલાકાતની પુષ્ટિ કરતાની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ પુતિનની આ મુલાકાત ભારતની તટસ્થ અને મજબૂત વિદેશ નીતિની સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

આ મુલાકાતની સૌથી મહત્વની કડી એ છે કે એક વર્ષના ટૂંકા ગાળામાં પુતિનની આ બીજી ભારત યાત્રા હશે. અગાઉ ડિસેમ્બર 2025 માં વાર્ષિક સમિટ માટે આવેલા પુતિને વડાપ્રધાન મોદી સાથે સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે મહત્વના કરારો કર્યા હતા. રશિયાએ 'મૈત્રીપૂર્ણ દેશ' તરીકે ભારતને ખાતરી આપી છે કે વૈશ્વિક તેલ સંકટ વચ્ચે પણ ભારતનો ઉર્જા પુરવઠો ક્યારેય ખોરવાશે નહીં. આ સમિટમાં આર્થિક સહયોગની સાથે સાથે ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને નવી વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા પર મંથન કરવામાં આવશે, જે આગામી દાયકાની દિશા નક્કી કરી શકે છે.

દિલ્હીમાં યોજાનારી આ બેઠક પૂર્વે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ વચ્ચેની તાજેતરની મુલાકાતોએ પાયો તૈયાર કરી દીધો છે. ૨૦૨૧ પછી પુતિનની સક્રિયતા અને ભારતના 'વાર્ષિક સમિટ મિકેનિઝમ' હેઠળ બંને નેતાઓનો પરસ્પર વિશ્વાસ અત્યંત ગાઢ બન્યો છે. જ્યારે વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું લાગે છે, ત્યારે ભારતની ધરતી પરથી પુતિન અને મોદીની જોડી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક ભાગીદારીનો નવો અધ્યાય લખશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ મુલાકાત સંરક્ષણ સોદાઓથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધીના ક્ષેત્રોમાં ભારત માટે નવા દ્વાર ખોલશે.

(8:32 PM IST)