<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગોરખપુરની દીકરીનો સિંહણ જેવો મિજાજ: ઘરેણાંની દુકાન લૂંટીને ભાગતા બે બદમાશોની પાછળ દોડી 18 વર્ષની યુવતી, રસ્તા વચ્ચે લૂંટારાનો હાથ પકડીને ફિલ્મી ઢબે બાથ ભીડી!

20 ગ્રામ સોનાની લૂંટ કરી ભાગતા લૂંટારાઓને નાકે દમ લાવી દીધો: ઈજાગ્રસ્ત થવા છતાં હિંમત ન હારી, બહાદુર દીકરીના સાહસના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ

ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક 18 વર્ષની યુવતીએ અદભૂત હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાની જ્વેલરી શોપમાંથી સોનું લૂંટીને ભાગી રહેલા બે લૂંટારાઓનો સામનો કરીને આ યુવતીએ સાબિત કરી દીધું છે કે આજની નારી અબળા નહીં પણ સબળા છે. આ સમગ્ર ઘટના 27 એપ્રિલના રોજ બની હતી, જેના સીસીટીવી ફૂટેજ હવે ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહ્યા છે.
ચિલ ઝડપે લૂંટ અને યુવતીનો પીછો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે લૂંટારાઓ જ્વેલરી શોપમાંથી આશરે 20 ગ્રામ સોનું લૂંટીને અત્યંત શાંતિથી બહાર નીકળી રહ્યા હતા. તેમને લાગ્યું હતું કે તેમનો આ ગુનો કોઈના ધ્યાનમાં નથી આવ્યો અને તેઓ આસાનીથી રફુચક્કર થઈ જશે. પરંતુ દુકાનદારની દીકરીએ તેમની ચાલાકી પકડી પાડી હતી. હિંમત હાર્યા વગર તે તરત જ દુકાનની બહાર દોડી અને રસ્તા પર લૂંટારાઓનો પીછો કરવાનું શરૂ કર્યું.
રસ્તા વચ્ચે જામી લડાઈ
યુવતી લૂંટારાઓની પાછળ દોડી અને એક લૂંટારાને કોણીએથી પકડી પાડ્યો હતો. જાહેર રસ્તા પર લોકોની નજર સામે જ યુવતી અને લૂંટારા વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. લૂંટારો પોતાને છોડાવવા માટે યુવતી પર હુમલો કરી રહ્યો હતો, છતાં બહાદુર યુવતીએ તેની પકડ ઢીલી થવા દીધી નહોતી. આ સંઘર્ષ દરમિયાન યુવતી ઈજાગ્રસ્ત પણ થઈ હતી, પરંતુ તેનો જીસ્સો ઓછો થયો નહોતો.
પોલીસ તપાસ ચાલુ
આખરે લૂંટારો બળજબરીથી પોતાની પકડ છોડાવીને ભાગવામાં સફળ રહ્યો હતો અને બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, યુવતીએ જે રીતે જીવના જોખમે લૂંટારાઓનો સામનો કર્યો તેનાથી આસપાસના લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ફિદા થઈ ગયા છે. હાલમાં પોલીસ સીસીટીવીના આધારે આ શખ્સોની ઓળખ કરી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગોરખપુરની આ દીકરીની બહાદુરી અત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને તે અન્ય યુવતીઓ માટે પણ એક મોટી પ્રેરણા સાબિત થઈ રહી છે.

(9:37 PM IST)