તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 19th April 2026
અંતરિક્ષમાં આસામી સંસ્કૃતિનો ડંકો! નાસાના એસ્ટ્રોનૉટ માઈક ફિંકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર બિહુ ડાન્સ કર્યો
ગળામાં આસામી ગમછો ધારણ કરી ઝીરો ગ્રેવિટીમાં કર્યું નૃત્ય :નાસાના એસ્ટ્રોનૉટનું પત્ની સાથે અતૂટ આસામ કનેક્શન: પીએમ મોદીના વિઝનથી બિહુને મળી ‘વર્લ્ડ ક્લાસ’ ઓળખ

નવી દિલ્હી :આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બિહુ ડાન્સ વિડિઓ શેર કર્યો છે, જેમાં નાસાના એસ્ટ્રોનૉટ માઈક ફિંકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર આસામી ગમછો પહેરી બિહુ નૃત્ય કરતા જોવા મળે છે. માઈક ફિંકેની પત્ની આસામી હોવાથી તેમનું અતૂટ જોડાણ છે. વડાપ્રધાન મોદીના પ્રયાસોથી બિહુને હવે અંતરિક્ષ સુધી વૈશ્વિક ઓળખ મળી છે.
ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકનૃત્યો હવે પૃથ્વીના સીમાડા વટાવીને સીધા બ્રહ્માંડના ખોળે પહોંચ્યા છે. આસામનું ગૌરવ સમાન બિહુ નૃત્યનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલાવી દીધી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ની અંદર ઝીરો ગ્રેવિટીમાં એક અમેરિકન એસ્ટ્રોનૉટ આસામી સંસ્કૃતિના પ્રતીક એવા ‘ગમછા’ સાથે બિહુના સ્ટેપ્સ કરતો જોવા મળ્યો છે.
આ વીડિયોમાં ડાન્સ કરી રહેલા વ્યક્તિ કોઈ સામાન્ય કલાકાર નથી, પરંતુ નાસાના (NASA) પ્રખ્યાત એસ્ટ્રોનૉટ માઈક ફિંકે (Mike Fincke) છે. માઈકનું આસામ સાથે ખૂબ જ અંગત જોડાણ છે, કારણ કે તેમના પત્ની રેનિતા સૈકિયા આસામી મૂળના છે અને તેઓ પોતે પણ નાસામાં મહત્વનું પદ ધરાવે છે. આ વીડિયો આસામી નવા વર્ષ અને રૌગાલી બિહુની ઉજવણીના સમયે ફરીથી વાયરલ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માઈક ફિંકે 1 ઓગસ્ટ 2025 ના રોજ SpaceX Crew-11 મિશન હેઠળ ચોથી વખત અંતરિક્ષમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ અદભૂત નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ વીડિયો શેર કરતા આ ક્ષણને ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બિહુ બિનાનિયા’ અભિયાનને આપ્યો હતો, જેણે 2023 માં 10,000 કલાકારોના એકસાથે નૃત્ય દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે બિહુને મળેલી આ પ્રસિદ્ધિ સાબિત કરે છે કે ભારતીય પરંપરાઓ આજે વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
