News of Wednesday, 16th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમનું ભવ્ય આયોજન : ૨૦ આઈકોનિક સ્થળો સહિત રાજ્યભરમાં પ્રગટાવાશે સામૂહિક દીપમાળા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાંકરિયા લેક ખાતે ૧.૨૫ લાખ દીવડા સાથેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે : રાજ્યભરમાં મંડલ સ્તરે રક્તદાન શિબિરો પણ યોજાશે : રાજ્યવ્યાપી વિવિધ આયોજનો

અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭ ઓક્ટોબરના રોજ જાહેરસેવાના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત તેમના જન્મદિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાની શક્તિ કાજે સમગ્ર રાજ્યના જિલ્લા, મહાનગર તેમજ મંડળ સ્તરે વિવિધ સ્થળોએ સામૂહિક દીપમાળાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત રાજ્યના ૨૦ આઈકોનિક સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને સ્થળ વિગત:
'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાંકરિયા લેક, અમદાવાદ ખાતે ૧.૨૫ લાખ દીવડા સાથે યોજાનાર સામૂહિક દીપમાળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂર્વે સાંજે ૫:૩૦ કલાકે બંને નેતાઓ અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે દર્શન-પૂજન કરશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અંબાજી માતાજી મંદિર, બનાસકાંઠા ખાતે યોજાનાર દીપોત્સવ કાર્યક્રમમાં જોડાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ભરૂચમાં કેબલ બ્રિજ પાસે આવેલ ગાયત્રી મંદિર ખાતે ઉપસ્થિત રહેશે.
પ્રદેશ મહામંત્રીઓની હાજરી અંગેની વિગતો મુજબ, અજયભાઈ બ્રહ્મભટ્ટ કાંકરિયા લેક-અમદાવાદ ખાતે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, અનિરૂદ્ધભાઈ દવે ક્રાંતિ તીર્થ-માંડવી ખાતે અને હિતેન્દ્રસિંહ ચૌહાણ PDEU મેટ્રો સ્ટેશન-ગાંધીનગર ખાતે આશીર્વાદનો દીવડો કાર્યક્રમમાં સહભાગી થશે.
રાજ્યવ્યાપી આયોજન અને રક્તદાન શિબિરો:
આ વિશેષ કાર્યક્રમો ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને ભાજપા આગેવાનો નિર્ધારિત સ્થાનોએ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ તથા સામાન્ય નાગરિકો પણ પોતાના નિવાસસ્થાને દીપ પ્રગટાવી વડાપ્રધાનના નિરોગી જીવન અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપા સંગઠન દ્વારા સમગ્ર રાજ્યમાં મંડલ સ્તરે રક્તદાન શિબિરોનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
