<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ગૌરવશાળી સમાપન સમારોહ યોજાયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાદાયિત્વને બિરદાવતા દેશભરના નેતાઓ અને યુવાનો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ : 'We Will Do It'ના બુલંદ નારા સાથે વિકસિત ભારત @૨૦૪૭ માટે યુવાશક્તિને અગ્રેસર રહેવા આહ્વાન

વડનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે અત્યંત ગૌરવપૂર્ણ માહોલમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા સહિત દેશભરના નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા ૫૦૦ જેટલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું મહાનુભાવો દ્વારા વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની ધરા પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. આજે સતત ૨૫ વર્ષ સુધી જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર જનનાયક બન્યા છે. તેમણે સત્તાને પદ નહીં પરંતુ સેવાનું ઉત્કૃષ્ટ સાધન માન્યું છે. ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, નારી શક્તિ અને યુવાનોના કલ્યાણ સાથે દરેક નાગરિકમાં દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો વિશ્વાસ તેમણે જાગ્રત કર્યો છે. ભૂકંપ અને અન્ય કુદરતી પડકારોને તકમાં પલટાવીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યને 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' બનાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર હબ જેવા ભવ્ય પ્રકલ્પો તેમના દ્રષ્ટિવંત વિઝનનું પરિણામ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના અભિગમથી દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને ભારત વિશ્વની ટોપ-૫ ઇકોનોમીમાં સ્થાન પામ્યું છે. કોરોના કાળમાં વિશ્વભરમાં વેક્સિન સહાય, COP-21 ગ્રીન એનર્જી લક્ષ્યાંકો પૂર્ણ કરવા, કલમ ૩૭૦ નાબૂદી, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ તેમજ સ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરતાથી ભારતે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા પુરવાર કરી છે. વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે તેમણે આપેલા 'We Will Do It'ના આહ્વાનને ઝીલીને ગુજરાતની યુવા શક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ૭મી ઓક્ટોબરના દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, વડનગરની આ પવિત્ર ભૂમિએ દેશને એક એવો વિરલ લાલ આપ્યો છે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. સતત ૨૫ વર્ષ સુધી એક પણ દિવસનો આરામ લીધા વગર, અટક્યા કે ઝૂક્યા વગર દેશના વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે કાર્ય કરવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને ટાંકીને તેમણે જણાવ્યું કે, ગીતામાં દર્શાવેલા 'સાત્વિક કર્તા'ના તમામ ગુણો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં જોવા મળે છે. તેઓ રાગ, દ્વેષ અને અહંકારથી પર રહીને ધૈર્યના પ્રતિક બન્યા છે. ઓપરેશન સિંદૂર જેવા આકરા પગલાંઓ થકી આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો છે. ૧૦૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીએ કરેલી ભવિષ્યવાણીને આજે બીજા નરેન્દ્ર એટલે કે નરેન્દ્રભાઈ મોદી ભારતને ‘વિશ્વગુરુ’ બનાવીને સાકાર કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળની જનતા વતી વંદન કરીને જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને એક વિઝનરી જનનાયક આપ્યા છે. વડાપ્રધાનના સશક્ત નેતૃત્વ હેઠળ 'રાષ્ટ્ર પ્રથમ' અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસનો નવો યુગ શરૂ થયો છે. ખેડૂતોનું કલ્યાણ, ગ્રામીણ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ અને ઉડાન યોજના જેવા જનકલ્યાણકારી પ્રકલ્પો થકી છેવાડાના માનવી સુધી લાભો સીધા પહોંચ્યા છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને સાંકળતી આ ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી છે.

નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચન કરતા કાશીની ધરા અને વિવિધ પ્રદેશોમાંથી આવેલા બાઇકર્સ તથા યુવાનોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૧માં રાજ્યના મુખ્યમંત્રી પદથી લઈને દેશના પ્રધાન સેવક તરીકે તેમણે પ્રત્યેક ક્ષણ દેશવાસીઓની સેવામાં સમર્પિત કરી છે અને આ યાત્રા ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ તથા ‘સંકલ્પથી સિદ્ધિ’ સુધીની સમર્પિત યાત્રા બની રહી છે.

નોંધનીય છે કે, આ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ દરમિયાન ૫૦૦ બાઇકર્સે ૧૦ રાજ્યોના સેંકડો ગામો અને શહેરોમાં ભ્રમણ કરીને સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, નશા મુક્તિ અને જનસંવાદ જેવા અનેક સામાજિક કાર્યો હાથ ધર્યા હતા. વડાપ્રધાને પોતે પણ ઓનલાઈન જોડાઈને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રા દરમિયાન વડનગરના શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ કાશી વિશ્વનાથ પહોંચાડાયું હતું અને વારાણસીથી લવાયેલા પવિત્ર જળ વડે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરી બે આધ્યાત્મિક નગરીઓના અતૂટ સંબંધને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો.

આ સમાપન સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ સર્વે ઋષિકેશભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરિયા, પ્રવીણભાઈ માળી, કમલેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના પ્રભારી તરુણ ચુગ, સાંસદો સર્વે હરિભાઈ પટેલ, મયંક નાયક, રાજેન્દ્રભાઈ શુક્લ, મધ્ય પ્રદેશના સાંસદ વી. ડી. શર્મા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નિતિનભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેશ ચાવડા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ, સેવા સંકલ્પ અભિયાન ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ઉપપ્રમુખ નટુજી ઠાકોર, અગ્રણીઓ ભરતભાઈ પંડ્યા, શ્રીમતી સીતાબેન પટેલ, ગિરીશભાઈ રાજગોર, મહેસાણા જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર સહિત બાઇક ચાલકો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

(7:18 PM IST)