<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરમતીમાં ભવ્ય લોકદરબાર યોજાયો : સોસાયટીના હોદ્દેદારો સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી

ગાંધીનગર સંસદીય મતવિસ્તાર દેશનો સૌથી વિકસિત અને શ્રેષ્ઠ મતવિસ્તાર બનશે : પર્કોલેશન વેલ, સોલાર રૂફ પેનલ્સ અને વૃક્ષારોપણના માધ્યમથી મતવિસ્તારને 'ગ્રીન લોકસભા' બનાવવા માટે ચેરમેન-સેક્રેટરીઓને અપીલ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી

અમદાવાદ:ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સાબરમતી વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે એક વિશેષ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતી અને રાણીપ વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. લોકદરબારમાં ઉપસ્થિત વિવિધ સોસાયટીઓના હોદ્દેદારોએ સાબરમતી વિસ્તારમાં થઈ રહેલા પ્રગતિશીલ વિકાસ કાર્યોને મુક્તકંઠે બિરદાવીને કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

૩૦ વર્ષ જૂના સંઘર્ષની યાદો તાજી થઈ: રાણીપના નાગરિકોના સ્નેહને વંદન:
લોકદરબારમાં રાણીપ, નવા રાણીપ, ડી-કેબિન અને સાબરમતીના નાગરિકો તેમજ આગેવાનોને સંબોધન કરતા અમિતભાઈ શાહે લાગણીસભર શબ્દોમાં જણાવ્યું કે, આજે જ્યારે હું અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છું, ત્યારે મને ૧૯૯૭થી અત્યાર સુધીના મારા ૩૦ વર્ષના સફરની યાદ તાજી થાય છે. રાણીપ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભા અને ત્યારબાદ લોકસભા સુધી પહોંચવાની આ દીર્ઘકાલીન યાત્રામાં સ્થાનિક જનતાએ જે અવિરત પ્રેમ, સ્નેહ અને સહયોગ આપ્યો છે, તે બદલ હું આપ સૌને વંદન અને પ્રણામ કરું છું. ૩૦ વર્ષના ગાળામાં મેં રાણીપને સતત વિકસતા જોયું છે. વિકાસ એ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે, અને કેટલીક વખત વિસંગતતાઓ વચ્ચે પણ આપણે વિકાસના કામોને સતત ગતિ આપી છે. આગામી સમયમાં રાણીપ પશ્ચિમ વિસ્તાર મુખ્ય આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત: ગાંધીનગર દેશનો સૌથી વિકસિત મતવિસ્તાર બનશે:
આ લોકદરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ-રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રોમ વોટર લાઇન, પીવાના શુદ્ધ પાણી તેમજ રેલવે ફાટક જેવા જટિલ સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેને ગૃહમંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, મેં જ્યારે લોકસભામાં ચૂંટાયા બાદ સંકલ્પ કર્યો હતો કે, ગાંધીનગર મતવિસ્તાર દેશનો સૌથી વિકસિત મતવિસ્તાર બનશે, ત્યારે આજે તે દિશામાં આપણે મક્કમ ડગલે આગળ વધી રહ્યા છીએ. આ વિકાસ કાર્યો માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું કે, મતવિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અઢળક વિકાસ કાર્યો કરાઈ રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મારા સૂચવેલા અનેક લોકાભિમુખ કાર્યોને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા છે. હાલ આ મતવિસ્તારમાં કોમ્યુનિટી હોલ, આધુનિક પાર્ક, બગીચા, તળાવોનું બ્યુટીફિકેશન, આઇકોનિક રોડ, પુસ્તકાલય અને જીમ જેવા અનેક જનસુવિધાના પ્રોજેક્ટ્સ સાકાર થયા છે.

પીએમ સ્વનિધિ હેઠળ ધિરાણ અને ઓગસ્ટમાં વધુ ૧૦૦ લાયબ્રેરીઓનું લોકાર્પણ:
કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગર મતવિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય લાભોના વિતરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશભરમાં નાના ફેરિયાઓના સન્માન અને તેમના વેપારને વેગ આપવા માટે આર્થિક લોન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એકલા ગાંધીનગર મતવિસ્તારમાં જ ૮,૯૭૦ લારીવાળાઓને આ લોનનો સીધો લાભ મળ્યો છે. યુવાનોમાં ડિજિટલ યુગ વચ્ચે પણ પુસ્તકાલય સંસ્કૃતિનો વ્યાપ વધે તે માટે ૧૬૧ ગામોમાં લાયબ્રેરી શરૂ કરાઈ છે અને આગામી ઓગસ્ટ માસમાં વધુ ૧૦0 લાયબ્રેરીઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ ૩.૫૦ લાખ જેટલા પુસ્તકો ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે.

ગ્રીન કવરમાં ૧૨.૫૦% નો વધારો, વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડનું કવચ:
ભાજપના કાર્યકરો દ્વારા કરાતા સેવાકીય કાર્યોની સરાહના કરતા તેમણે ઉમેર્યું કે, સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને કાર્યકરો દ્વારા રોજ નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત, આંગણવાડીના બાળકો માટે 'રમકડા બેન્ક' અંતર્ગત ૨૮,૦0૦ જેટલા રમકડા એકત્ર કરીને વિતરણ કરાયા છે. પર્યાવરણની સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું કે, લોકસભા મતવિસ્તારના ગ્રીન એરિયામાં ૧૨.૫૦% નો ધરખમ વધારો થયો છે અને ચાલુ ચોમાસામાં વધુ ૧૨% નો વધારો કરવાનો લક્ષ્યાંક છે. સૌથી વધુ પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલ્સનું ઇન્સ્ટોલેશન આપણા મતવિસ્તારમાં થયું છે, જે જળ અને ઉર્જા સંરક્ષણ માટે ઉત્તમ ઉદાહરણ છે. સ્વાસ્થ્ય સુરક્ષા અંતર્ગત મતવિસ્તારમાં ૭૦ વર્ષથી વધુ વયના ૮૮% વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડની અમોઘ સુવિધા આપી સુરક્ષિત કરાયા છે. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને અમદાવાદ સ્થિત પોતાના કાર્યાલયનું સરનામું આપી જણાવ્યું કે, મારું કાર્યાલય હંમેશા આપની સેવા માટે કાર્યરત છે અને લોકોની લેખિત રજૂઆતો હું વ્યક્તિગત રીતે વાંચું છું. તેમણે દરેક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને વૃક્ષારોપણ, સોલાર અને ભૂગર્ભ જળ બચાવવાના અભિયાનમાં જોડાઈને ગાંધીનગર લોકસભાને એક 'ગ્રીન લોકસભા' બનાવવા અપીલ કરી હતી.

આપણને અમિતભાઈ શાહ જેવા કર્મઠ લોકપ્રતિનિધિ મળ્યા તે ગૌરવની વાત: મુખ્યમંત્રી:
આ ભવ્ય પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ખૂબ જ વિશેષ છે. આપણને અમિતભાઈ શાહના રૂપમાં એક અત્યંત ઉત્તમ અને કાર્યશીલ લોકપ્રતિનિધિ મળ્યા છે, જે આપણા સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના અનેક ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈને જન-જનની સુખાકારી અને આર્થિક ઉત્થાન માટે અવિરત કાર્યો કર્યા છે. તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં થતા નાનામાં નાના વિકાસ કાર્યો અંગે હરહંમેશ સક્રિય રહીને તેની સતત સમીક્ષા કરતા રહે છે.

કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે પ્રાસંગિક સંબોધન કરી સોસાયટીના હોદ્દેદારો અને નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણે સૌ ગૌરવશાળી છીએ કે આપણને અમિતભાઈ શાહ જેવા કર્મઠ નેતા મળ્યા છે, જેમની નેમ આ લોકસભા મતવિસ્તારને દેશભરમાં શ્રેષ્ઠ, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવાની છે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, કલેક્ટર ભવ્ય વર્મા, ડીઆરએમ અમદાવાદ વેદ પ્રકાશ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, પૂજ્ય સંતો-મહંતો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:24 PM IST)