તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
૯ જૂને પીએમ મોદીના નામે નોંધાશે મહાકીર્તિમાન
જવાહરલાલ નેહરુના સૌથી લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ તૂટી જશે : મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત ૨૬ મે ૨૦૧૪ ના રોજ સત્તાવાર શપથ લીધા હતા

નવી દિલ્હી,તા.૨: કેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આગામી ૫ જૂનથી લઈને ૨૧ જૂન સુધી વિશેષ જનસંપર્ક અને વિકાસ કાર્યોના પ્રદર્શન માટેના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી ચાલનારા આ ૧૭ દિવસીય અભિયાનમાં કેન્દ્ર સરકાર પોતાની મોટી સિદ્ધિઓ અને જનહિતના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડશે. પરંતુ, આ ભવ્ય કાર્યક્રમોની વચ્ચે એક એવી તારીખ આવી રહી છે, જે ભારતીય લોકશાહી અને રાજકારણના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડી દેશે. આ તારીખ છે ૯ જૂન ૨૦૨૬.
વાસ્તવમાં, ૯ જૂન ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક એવો અજોડ રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યા છે, જે અત્યાર સુધી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે નોંધાયેલો હતો. ઐતિહાસિક તથ્યો મુજબ, જવાહરલાલ નેહરુએ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ ૧૪ મે ૧૫૯૨ ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા અને તેઓ ૨૭ મે ૧૯૬૪ (અવસાન સુધી) સતત આ પદ પર રહ્યા હતા. આ રીતે, લોકતાંત્રિક ચૂંટણી દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે તેમનો સળંગ કાર્યકાળ ૧૨ વર્ષ અને ૧૪ દિવસનો રહ્યો હતો. આપને જણાવી દઈએ કે વર્ષ ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી જવાહરલાલ નેહરુ દેશના મનોનીત (Nominated) વડાપ્રધાન હતા, ચૂંટાયેલા નહીં. હવે ૯ જૂન ૨૦૨૬ ના રોજ જવાહરલાલ નેહરુના આ સૌથી લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ તૂટી જશે અને પીએમ મોદી આ યાદીમાં ટોચ પર આવી જશે.
વડાપ્રધાન મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત ૨૬ મે ૨૦૧૪ ના રોજ સત્તાવાર શપથ લીધા હતા. આ પછી દેશની જનતાએ તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો અને તેઓ ૩૦ મે ૨૦૧૯ ના રોજ બીજી વખત પીએમ બન્યા. ત્યારબાદ વર્ષ ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને ૯ જૂન ૨૦૨૪ ના રોજ તેમણે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.
આ જ ક્રમમાં આગળ વધતા, આગામી ૯ જૂન ૨૦૨૬ ના રોજ પીએમ મોદી સતત નિર્વાચિત વડાપ્રધાન તરીકે પોતાના શાસનના બરાબર ૧૨ વર્ષ અને ૧૫ દિવસ પૂર્ણ કરી લેશે. આ સાથે જ તેઓ લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન પદ સંભાળવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરશે. અહીં એક રસપ્રદ સંયોગ એ પણ છે કે ૯ જૂન ૨૦૨૪ ના રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી ઇનિગ માટે શપથ લીધા હતા અને બરાબર તેના બે વર્ષ બાદ જ એટલે કે ૯ જૂનની તારીખે જ તેઓ આ ઐતિહાસિક સિદ્ધિ મેળવશે. આ જ કારણે ૯ જૂનનો આ દિવસ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમગ્ર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માટે રાજકીય અને પ્રતીકાત્મક બંને દ્રષ્ટિએ અત્યંત ગૌરવપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ટૂંકમાં કહીએ તો, મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી વચ્ચે ૯ જૂન ૨૦૨૬ ની આ તારીખ માત્ર એક કેલેન્ડરનો દિવસ નથી, પરંતુ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાનારો રેકોર્ડ દિવસ બનવા જઈ રહ્યો છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
