<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ઇરાનના પરમાણુ મથકો અને સામગ્રીને કબજે કરવા માટે અત્યંત જોખમી 'કમાન્ડો ઓપરેશન'ની તૈયારી?

ઇરાન સામે ફરી યુદ્ધના ભણકારા: ઇઝરાયલ મહાસજ્જ: ટ્રમ્પે આપ્યું બે-ત્રણ દિવસનું અલ્ટીમેટમ : મધ્યપૂર્વમાં ગમે તે ઘડીએ જ્વાળામુખી ફાટશે: સ્થિતિ સ્ફોટક: વાટાઘાટોમાં પ્રગતિ છતાં અમેરિકા-ઇઝરાયલની લશ્કરી તૈયારીઓ પૂર્ણ: વળતા પ્રહારને ઇરાનની ડરામણી ચેતવણી : પરમાણુ મુદ્દે તેહરાન-વોશિંગ્ટન વચ્ચે આખરી ખેંચતાણ: શું શાંતિ કરાર થશે કે પછી ફરી બોમ્બમારો?

 

વોશિંગ્ટન/તેલઅવીવ/તેહરાન: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર ફરી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે અમેરિકન ઉપપ્રમુખ જે.ડી. વેન્સે વાટાઘાટોમાં પ્રગતિની વાત કરી છે. ઇઝરાયલ અને અમેરિકાની સેનાએ ઇરાન સામે સંભવિત ઓપરેશન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાના આંતરરાષ્ટ્રીય અહેવાલોથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ઇરાને પણ પાછળ ન હટવાનો અને વળતર માંગવાનો આકરો મિજાજ દાખવ્યો છે.

સીઝફાયરની જાહેરાત છતાં મધ્યપૂર્વમાં શાંતિ ડહોળાવાની શક્યતાઓ પ્રબળ બની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' અને વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ હાલમાં સર્વોચ્ચ એલર્ટ પર છે. એવા દાવાઓ થઈ રહ્યા છે કે અમેરિકા અને ઇઝરાયલના દળોએ ઇરાન સામે નવી સૈન્ય કાર્યવાહી માટેની તૈયારીઓ સંપૂર્ણપણે આટોપી લીધી છે.

જોકે, બંને દેશો તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ રાજદ્વારી અને લશ્કરી હિલચાલ ઘણું કહી જાય છે.

અમેરિકન  પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, અમેરિકા ઇરાન પર ફરી પ્રહાર કરવાની સ્થિતિમાં આવી શકે છે. 'રોઇટર્સ' સમાચાર સંસ્થાના અહેવાલને ટાંકીને જાણવા મળ્યું છે કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હુમલાનો નિર્ણય લેવાથી માત્ર "એક કલાક" દૂર હતા, પરંતુ તેમણે હાલ પૂરતો આ નિર્ણય સ્થગિત રાખ્યો છે.

તેમણે કડક શબ્દોમાં ઉમેર્યું હતું કે જો યોગ્ય કરાર પર સહમતિ નહીં સધાય, તો આગામી થોડા દિવસોમાં જ મોટી લશ્કરી કાર્યવાહી થઈ શકે છે.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ડિજિટલ મીડિયામાં અમેરિકન ઉપપ્રમુખ જે.ડી. વેન્સનું નિવેદન પણ ચર્ચામાં છે. વેન્સે તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાજદ્વારી રસ્તો ખુલ્લો હોવાનો દાવો કરતા કહ્યું છે કે, અમેરિકા અને ઇરાન વચ્ચેની પડદા પાછળની વાતચીતમાં "ઘણી પ્રગતિ" જોવા મળી છે.  ઈરાન અને અમેરિકા, બંને દેશો ફરી લશ્કરી સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી. તેમ છતાં, અમેરિકાનો મુખ્ય અને અડગ મુદ્દો એ જ છે કે ઇરાન કોઈપણ કાળે પરમાણુ હથિયાર વિકસાવી શકે નહીં. આ મુદ્દે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

ઇઝરાયલી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ' અને અમેરિકન અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલોના આધારે જાણવા મળ્યું છે કે, ગયા મહિનાના સીઝફાયર પછી પણ બંને મિત્ર દેશો (અમેરિકા-ઇઝરાયલ) ઇરાન સામેના સંભવિત નવા હુમલાઓ માટે અત્યંત ઘાતક આયોજન કરી રહ્યા છે.

આ રિપોર્ટ્સમાં એવો પણ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે ઇરાનના પરમાણુ મથકો અને સામગ્રીને કબજે કરવા માટે અત્યંત જોખમી 'કમાન્ડો ઓપરેશન' જેવા વિકલ્પો પર પણ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે.

સામા પક્ષે તેહરાને પણ નમતું જોખ્યું નથી. 'અરબ ન્યૂઝ' અને 'રોઇટર્સ'ની માહિતી મુજબ, ઇરાને શરતો મૂકી છે કે તમામ મોરચે દુશ્મનાવટનો અંત આવવો જોઈએ, ઇરાનની સરહદો નજીકથી અમેરિકી દળોને હટાવવા જોઈએ અને અત્યાર સુધી થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળવું જોઈએ.

હાલમાં પશ્ચિમ એશિયા સળગતા જ્વાળામુખી પર બેઠું હોય તેવી સ્થિતિ છે. એક તરફ ટ્રમ્પનું અલ્ટીમેટમ, ઇઝરાયલની લશ્કરી જમાવટ અને ઇરાનનો વળતા પ્રતિપ્રહારનો સંદેશ છે; તો બીજી તરફ શાંતિ મંત્રણા અને પરમાણુ કાર્યક્રમ પરનું આખરી દબાણ છે.

જો આ વાટાઘાટો અંતિમ ક્ષણે ભાંગી પડશે, તો મધ્યપૂર્વમાં ફરી એકવાર વિનાશક યુદ્ધ ફાટી નીકળશે તે હાલના સંજોગો જોતા નિશ્ચિત મનાય છે.

(9:30 AM IST)