તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
પાકિસ્તાનના સિરાજ ગામમાં 100 વર્ષથી વધુ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડી પડાયું : ભારતે તાત્કાલિક તપાસની માંગ કરી
ભારતે કહ્યું -, પાકિસ્તાનના નારોવાલમાં સદીઓ જૂના ઐતિહાસિક પૂજા સ્થળ સાથે કરાયેલી તોડફોડ ખૂબ જ શરમજનક છે

પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નારોવાલના સિરાજ ગામમાં 100 વર્ષ કરતાં પણ વધુ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ભારતના વિદેશ મંત્રાલયે ભારે ચિંતા વ્યક્ત કરીને પાકિસ્તાન સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના નારોવાલમાં સદીઓ જૂના ઐતિહાસિક પૂજા સ્થળ સાથે કરાયેલી તોડફોડ ખૂબ જ શરમજનક છે. અધિકારીઓની આવી બેદરકારી અને સ્થાનિક લઘુમતીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળતા દર્શાવે છે કે પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ સમુદાયો અને તેમના ધાર્મિક સ્થળો સતત અસુરક્ષિત છે.
લાહોરથી આશરે 130 કિલોમીટર દૂર આવેલા સિરાજ ગામમાં આ ઘટના 21 ઓગસ્ટના રોજ બની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લઘુમતી સંગઠનોનો આક્ષેપ છે કે ધાર્મિક કટ્ટરપંથીઓએ બાજુમાં આવેલા મદરેસાનો વિસ્તાર વધારવાના હેતુથી આ પ્રાચીન મંદિરને લક્ષ્ય બનાવી તોડી પાડ્યું છે. જોકે, બીજી તરફ પાકિસ્તાનના 'ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ' (ETPB) એ આ વિવાદ પરથી ધ્યાન હટાવવા એવો દાવો કર્યો હતો કે ભારે વરસાદના કારણે મંદિરની જર્જરિત ઇમારત ધસી પડી હતી.
આ ઘટના બાદ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાય અને માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાને પોતાના દેશના લઘુમતીઓના ધાર્મિક અધિકારો અને સ્થળોનું રક્ષણ કરવું જ પડશે.
(1:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
