તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 13th July 2026
કર્ણાટકના ચિત્રદુર્ગમાં મધરાતે ગોઝારો અકસ્માત: કન્ટેનર ટ્રક અને સ્લીપર બસ વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ લાગતા ૬ લોકોના કરૂણ મોત, ૨૮ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બેંગલુરુ-પુણે નેશનલ હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનામાં ટ્રક ચાલકે ડિવાઈડર કૂદીને સામેથી આવતી બસને ટક્કર મારતા મુસાફરોમાં મચી ગઇ અફરાતફરી, વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા સહાયની જાહેરાત

ચિત્રદુર્ગ:કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી પસાર થતા બેંગલુરુ-પુણે નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં હિરીયુર તાલુકાના જવનગોંડાનાહલ્લી પાસે એક ખાનગી સ્લીપર બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૨૮ જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર બાદ બંને વાહનોમાં તુરંત આગ ફાટી નીકળી હતી, જેના કારણે મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ ૨ વાગ્યાના સુમારે બની હતી. બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી એક ખાનગી સ્લીપર બસમાં ૩૦થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક કન્ટેનર ટ્રક, જે મહારાષ્ટ્રથી બેંગલુરુ તરફ જઈ રહી હતી, તે રોડ ડિવાઈડર કૂદીને સીધી બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે બસના ઈંધણની ટાંકીમાં ભંગાણ પડતા આગ લાગી ગઈ હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ૫ મુસાફરો અને ટ્રકના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હિરીયુર, સિરા અને તુમાકુરુની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે બેંગલુરુ પણ મોકલવામાં આવ્યા છે.
ઘટનાને પગલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. પોલીસે આ મામલે હિરીયુર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
