તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
K-Pop અને કોરિયન સંસ્કૃતિના ક્રેઝ પાછળ માનવ તસ્કરીનું મોટું ષડયંત્ર: કોરિયા લઈ જવાના બહાને બે વિદ્યાર્થીનીઓનું અપહરણ, સિલિગુડી પોલીસે સગીરાઓને બચાવી
ઓનલાઈન એપ દ્વારા ૭ મહિનાથી અપાતી હતી કોરિયન ભાષાની ટ્રેનિંગ; સરહદ પાર કરાવી ભૂટાન રસ્તે કોરિયા મોકલવાની તસ્કરોની નાપાક યોજના પોલીસે કરી નિષ્ફળ

સિલિગુડી : હાલના યુવાનો અને સગીરોમાં દક્ષિણ કોરિયન સંસ્કૃતિ, K-Pop મ્યુઝિક અને કોરિયન ડ્રામા (K-Drama) નો ક્રેઝ આસમાને છે, પરંતુ આ જ ક્રેઝ હવે માસૂમ બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાંથી બે સગીર વિદ્યાર્થીનીઓને દક્ષિણ કોરિયા મોકલવાના બહાને અપહરણ કરી તેમની તસ્કરી (Human Trafficking) કરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે, સિલિગુડી પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે આ બંને સગીરાઓને આંતરરાષ્ટ્રીય સરહદ પાર થાય તે પહેલાં જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે.
ડિજિટલ દુનિયાના આધુનિક હથિયાર: ઓનલાઈન ગેમ્સ અને ભાષા શીખવતી એપ્સ
પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો છે તે ડિજિટલ યુગમાં વાલીઓની ઊંઘ ઉડાવી દે તેવો છે. માનવ તસ્કરો હવે જૂની અને પરંપરાગત પદ્ધતિઓ છોડીને બાળકોને ફસાવવા માટે આધુનિક ડિજિટલ હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. ઓનલાઈન મલ્ટિપ્લેયર ગેમ્સ અને અનધિકૃત વિદેશી ભાષા શીખવતી મોબાઈલ એપ્સ ગુનેગારોના નવા શિકારના અડ્ડા બન્યા છે. તસ્કરો મુખ્યત્વે ૧૧ થી ૧૬ વર્ષની સગીર છોકરીઓને નિશાન બનાવે છે. શરૂઆતમાં ગેમની વ્યૂહરચના સમજાવવા કે ભાષા શીખવવાના બહાને વાતચીત શરૂ થાય છે, જે ધીમે ધીમે છોકરીઓને ભાવનાત્મક જાળમાં ફસાવી દે છે.
K-Pop ગ્રુપનો હિસ્સો બનવાનું સપનું બતાવી કોલકાતાથી રચાયું ષડયંત્ર
બચાવવામાં આવેલી માલદાની આ બે વિદ્યાર્થીનીઓના કિસ્સામાં પણ તસ્કરોએ તેમના કોરિયન પોપ કલ્ચર પ્રત્યેના આકર્ષણનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ છોકરીઓને કોરિયાના પ્રખ્યાત પૉપ ગ્રુપનો ભાગ બનવાના સોનેરી સપના બતાવવામાં આવ્યા હતા. છેલ્લા સાત મહિનાથી એક ઓનલાઈન એપ દ્વારા તેમને નિયમિત રીતે કોરિયન ભાષાના વર્ગો આપવામાં આવી રહ્યા હતા. પોલીસને મજબૂત શંકા છે કે આ ગેંગનો મુખ્ય સુત્રધાર અને ભાષા પ્રશિક્ષક (ટ્રેનર) રાજધાની કોલકાતામાં બેસીને આ નેટવર્ક ચલાવી રહ્યો હતો.
સ્કૂલ યુનિફોર્મમાં જ ઘરમાંથી ભાગી, બસમાંથી પોલીસે આ રીતે ઝડપી
શાતિર તસ્કરે પોલીસ અને પરિવારની શંકાથી બચવા માટે બંને છોકરીઓને તેમના શાળાના ગણવેશ (સ્કૂલ યુનિફોર્મ) માં જ ઘર છોડવાની સલાહ આપી હતી. યોજના મુજબ બંને વિદ્યાર્થીનીઓ માલદાથી સિલિગુડી જવા માટે બસમાં બેસી ગઈ હતી. ત્યાંથી તેમને જયગાંવ થઈને સરહદ પાર કરાવી ભૂટાન લઈ જવાની યોજના હતી, જ્યાંથી તેમને ફ્લાઈટ દ્વારા સીધા દક્ષિણ કોરિયા મોકલવાના હતા.
જો કે, છોકરીઓ શાળાએ ન પહોંચતા પરિવારે માલદાના અંગ્રેજી બજાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત એક્શનમાં આવી સીસીટીવી ફૂટેજ ચકાસતા બંને છોકરીઓ બસમાં જતી હોવાનું જણાયું હતું. સિલિગુડી પોલીસને તુરંત જાણ કરાતા, એનજેપી (NJP) પોલીસ સ્ટેશનની ટીમે નૌકાઘાટ ક્રોસિંગ પર નાકાબંધી કરીને માલદાથી આવતી બસને આંતરી હતી અને બંને વિદ્યાર્થીનીઓને હેમખેમ બચાવી લીધી હતી. હાલ પોલીસ કોલકાતા સ્થિત આ આખી ગેંગનો પર્દાફાશ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
