<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

મહારાષ્ટ્રમાં મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા નજીક અરબી સમુદ્રમાં મધદરિયે સર્જાઈ મોટી દુર્ઘટના : અચાનક જ અડત્રીસ લોકોથી ભરેલી પ્રવાસી બોટનું એન્જિન ખોટકાઈ ગયું

કિનારાથી આશરે દોઢ નોટિકલ માઈલ દૂર બોટ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા : અન્ય બોટની મદદથી તમામ અડત્રીસ લોકોને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડવામાં આવ્યા

મુંબઈ: અહીંના દરિયાકિનારે પ્રવાસીઓ માટે લોકપ્રિય એવા ગેટવે ઓફ ઈન્ડિયા નજીક અરબી સમુદ્રમાં એક મોટી જાનહાનિ થતાં સહેજમાં અટકી હતી. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મધદરિયે સહેલગાહ માટે ગયેલી એક બોટનું એન્જિન અચાનક જ ફેલ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. 

આ અન્વરી નામની બોટમાં સવાર ચોત્રીસ જેટલા મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ મળીને કુલ અડત્રીસ લોકો સવાર હતા. દરિયા કિનારાથી આશરે દોઢ નોટિકલ માઈલના અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી અને બોટ મોજાઓ વચ્ચે અટવાઈ ગઈ હતી. 

એન્જિન બંધ પડી જતાં બોટ સમુદ્રમાં જ ફસાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ મુંબઈ પોલીસ અને કોસ્ટલ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમ સતર્ક થતાં નજીકમાં રહેલી 'આઝાદ હિન્દ' નામની અન્ય એક પ્રવાસી બોટના માલિકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. 

આ અન્ય બોટે ઘટનાસ્થળે પહોંચીને ફસાયેલી બોટને દોરડા વડે બાંધીને ગેટવે ઓફ ઈન્ડિયાના જેટી નંબર બે સુધી સુરક્ષિત રીતે ખેંચી લાવી હતી. આ દિલધડક બચાવ કામગીરીના અંતે તમામ અડત્રીસ લોકોને કોઈપણ પ્રકારની ઈજા વિના હેમખેમ કિનારે ઉતારી લેવાતા મુસાફરોના પરિવાજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. 

(1:38 PM IST)