તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
રાજસ્થાનની ઓપન જેલનો આજીવન કેદી સજા ભોગવતી વખતે થાઈલેન્ડની પાંચ દિવસની વિદેશ યાત્રા કરીને પરત પણ આવી ગયો અને જેલમાં હાજરી પુરાતી રહી
માદક પદાર્થોની તપાસ દરમિયાન સામે આવેલા આ ચોંકાવનારા કિસ્સાએ જેલ પ્રશાસનની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે

જયપુર : રાજસ્થાનની ઓપન જેલ પ્રણાલીની પોલ ખોલતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો એક કેદી જેલમાં પોતાની હાજરી પુરાવતો રહીને ગુપચુપ રીતે થાઈલેન્ડની સફરે ઉપાડી ગયો હતો. આ ચોંકાવનારો માડો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસ એક અલગ જ નાર્કોટિક્સ કેસની તપાસ કરી રહી હતી. શ્રીગંગાનગરનો રહેવાસી આરોપી દીક્ષાનત કામરા રાજસ્થાનની નરસિંહપુરા ઓપન જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો. તેણે કથિત રીતે નવ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન થાઈલેન્ડની પાંચ દિવસીય યાત્રા કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તે વિદેશમાં ફરી રહ્યો હતો, ત્યારે પણ જેલના રેકોર્ડમાં તેની સવાર અને સાંજની હાજરી નિયમિતપણે નોંધાઈ રહી હતી.
આ સમગ્ર માનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અધિક પોલીસ અધિક્ષક દીપક શર્માના માર્ગદર્શન હેઠળ જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટિમે એક શંકાસ્પદ વાહનની તલાશી લીધી. પોલીસને તે વાહનમાંથી આશરે ચાલીસ ગ્રામ અફીણ અને એક પાસપોર્ટ મળી આવ્યો હતો. જ્યારે પાસપોર્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે તે દીક્ષાનત કામરાના નામનો હોવાનું બહાર આવ્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરતા ખબર પડી કે આ વાહન આરોપીના ભાઈની માલિકીનું છે. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને તપાસ સબ-ઇન્સ્પેક્ટર નરેશ કુમારને સોંપી દીધી. અફીણ કેસમાં દીક્ષાનતની સંડોવણીના પુરાવા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો.
અધિક પોલીસ અધિક્ષક દીપક શર્માએ જણાવ્યું કે દીક્ષાનત કામરા એ જ શખસ છે જેને જયપુરના ઝોટવાડા વિસ્તારમાં થયેલા ચકચારી દુષ્યંત હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી અને તે નરસિંહપુરા ઓપન જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેના પાસપોર્ટ પર નવથી તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન થાઈલેન્ડની મુલાકાત લીધાની સત્તાવાર એન્ટ્રીઓ મળી આવી છે. આ વિદેશ પ્રવાસે જેલ પ્રશાસનની મોનિટરિંગ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે કે આજીવન કેદની સજા ભોગવતો કેદી જેલમાં હાજરી પુરાવ્યા વગર વિદેશ કેવી રીતે જઈ શકે. આ ઘટનાથી રાજસ્થાનની ઓપન જેલની દેખરેખ અને ચકાસણીની પદ્ધતિ પર કાળા ડિબાંગ સવાલો ઊભા થયા છે.
દીક્ષાનત કામરાને વર્ષ બે હજાર અઢારના ચકચારી દુષ્યંત અપહરણ અને હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આઘાતજનક ગુનામાં દીક્ષાનત અને તેની પ્રેમિકા પ્રિયા સેથે મળીને જયપુરના ઝોટવાડાના રહેવાસી દુષ્યંતનું અપહરણ કર્યું હતું. બંનેએ દુષ્યંતના પિતા પાસે તેની મુક્તિ માટે દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જો કે ખંડણીની રકમ મળ્યા પછી પણ તેમણે નિર્દયતાપૂર્વક દુષ્યંતની હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસ બાદ અદાલતે દીક્ષાનતને આજીવન કેદની સજા ફટકારી હતી. તાજેતરના ખુલાસાએ ઓપન જેલના કેદીઓની દેખરેખ વ્યવસ્થામાં મોટી છટકબારીઓ અને બેદરકારી તરફ ઇશારો કર્યો છે કે કેવી રીતે કોઈ પણ અડચણ વિના આરોપી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને પાછો પણ આવી ગયો.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
