<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

થોડું ટેકનિકલ કામ બાકી છે, મહિનાઓ નહીં અઠવાડીયામાં થશે ટ્રેડ ડિલ

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર માર્કો રુબિયોનું મોટું નિવેદન : સમજૂતીની જાહેરાત કરતાં પહેલાં તમામ ટેકનિકલ પાસાઓ પર સહમતિ બનવી જરૂરી છેઃ બંને દેશો માટે ફાયદાકારક હોવી જોઈએ ડીલઃ માર્કો રુબિયો

ભારત અને અમેરિકા ટ્રેડ ડિલ ક્‍યાં પહોંચી છે? મામલો ક્‍યાં ફસાયેલો છે? કેટલો સમય લાગશે? આ તમામ સવાલોના જવાબ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આપ્‍યા છે. નેટવર્ક ૧૮ના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે એક્‍સક્‍લૂઝિવ ઈન્‍ટરવ્‍યૂમાં જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે ભારત અમેરિકા ટ્રેડ ડીલની જાહેરાત થવામાં કેટલો સમય બાકી છે, તો માર્કો રુબિયોએ સ્‍પષ્ટ કહ્યું કે અમુક ટેકનિકલ વસ્‍તુઓ પર કામ થઈ રહ્યું છે, મહિના નહીં, પણ થોડા અઠવાડિયામાં તેની જાહેરાત થઈ જશે.

માર્કો રુબિયોએ કહ્યું કે, આવી ડિલમાં એ જરૂરી હોય છે કે ઘોષણા કરતા પહેલા તેના દરેક પાસા પર બંને દેશો વચ્‍ચે સંપૂર્ણ સહમતિ બની જાય. તેમણે કહ્યું કે, તમે આ સ્‍તરના મોટા સંબંધોને આવી રીતે ખતરામાં નથી નાખી શકતા કે કોઈ ડિલની ઘોષણા કરી દેવામાં આવે અને બાદમાં ખબર પડે કે તેને અંતિમ રૂપ જ નથી આપવામાં આવ્‍યું.

માર્કો રુબિયોએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્‍ચે ટ્રેડ ડિલ ખૂબ જ નજીકમાં છે. હવે થોડા ટેકનિકલ પાસા પર કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે, ટેકનિકલ પાસા પણ મહત્ત્વના છે. કેમ કે ડિલમાં સહમતિ હોવી જરૂરી છે અને બંને પક્ષોએ આ વાત પર સહમત થવું જોઈએ કે તેમાં લખેલી ભાષાનો અર્થ બંને માટે એક જ હોય. હવે વાતચીત એ સ્‍તર પર પહોંચી ગઈ છે. જોકે તેમણે એવું નથી કહ્યું કે કયા ટેકનિકલ પાસા છે, જેના પર બંને દેશો વચ્‍ચે સહમતિ બાકી છે. તેમણે એવું પણ નથી કહ્યું કે ડિલની ઘોષણા કઈ તારીખે થશે.

માર્કો રુબિયોએ સ્‍પષ્ટ કર્યું કે તેઓ પોતે આ ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો કરી રહ્યા નથી. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્‍ટેટિવ આ ડીલ અંગે વાટાઘાટો કરી રહ્યા છે. જોકે, તેમણે કહ્યું કે તેઓ આ સમગ્ર પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહ્યા છે. રુબિયોએ કહ્યું, ‘‘મને આ અંગે જાણકારી છે અને હું આ સમગ્ર પ્રક્રિયા પર નજીકથી નજર રાખતો આવ્‍યો છું. અમને આશા છે કે આ સમજૂતી મહિનાઓમાં નહીં, પરંતુ થોડા જ અઠવાડિયામાં સામે આવશે.''

તેમના આ નિવેદનથી સંકેત મળે છે કે બંને દેશો વચ્‍ચેની વાટાઘાટો અંતિમ તબક્કાની નજીક છે. જોકે, સમજૂતીની જાહેરાત કરતાં પહેલાં તમામ ટેકનિકલ પાસાઓ પર સહમતિ બનવી જરૂરી છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સાથેના વેપાર કરારને લાંબા સમય સુધી ટકાઉ રાખવા માટે જરૂરી છે કે તે બંને દેશોના હિતમાં હોય. તેમણે એ પણ સ્‍વીકાર્યું કે ડિલની દરેક બાબત કોઈ એક પક્ષને પસંદ આવે તે જરૂરી નથી.

તેમણે કહ્યું, ‘‘આ ડિલમાં કેટલીક એવી બાબતો પણ હશે, જે તમને પસંદ નહીં આવે. પરંતુ સમજૂતીનો મોટો ભાગ તમારા માટે ફાયદાકારક હશે. અમારો ઉદ્દેશ્‍ય પણ આ જ પ્રાપ્ત કરવાનો છે.'' તેમણે કહ્યું કે તેઓ આ ડિલ પૂરી થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભારત અને અમેરિકા પાસે સાથે મળીને કામ કરવાની અનેક તકો છે.

ઇન્‍ટરવ્‍યૂ દરમિયાન રાહુલ જોશીએ રુબિયોને એ પણ પૂછ્‍યું કે શું ભારતને અન્‍ય દેશોની સરખામણીમાં વધુ સારા ટ્રેડ રેટ મળવાની આશા છે? તેના જવાબમાં અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કોઈપણ વેપાર કરારનો ઉદ્દેશ્‍ય વર્તમાન દરો કરતાં વધુ સારા દરો મેળવવાનો હોય છે. પરંતુ તેમના મતે, તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારત અને અમેરિકા વચ્‍ચેના વેપારી સંબંધો લાંબા સમય સુધી ટકાઉ રહે.

માર્કો રુબિયોએ કહ્યું, ‘‘સ્‍વાભાવિક રીતે, ડિલ કરવાનો ઉદ્દેશ્‍ય જ એ હોય છે કે તમને વર્તમાન દરો કરતાં વધુ સારા દરો મળે. પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ એ સુનિヘતિ કરવાનું છે કે આપણા વેપારી સંબંધો ટકાઉ રીતે આગળ વધે.''

જોકે, રુબિયોએ સ્‍પષ્ટ કર્યું નહોતું કે ભારતને કઈ વસ્‍તુ પર કેટલા દરોનો લાભ મળી શકે છે. તેમણે અન્‍ય દેશોની સરખામણીમાં ભારતને મળનારી સંભવિત છૂટછાટ અંગે કોઈ આંકડા પણ આપ્‍યા નહોતા.

માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકાની વિદેશ નીતિ અને વેપાર નીતિ એ સમજ પર આધારિત છે કે દરેક દેશના પોતાના રાષ્ટ્રીય હિતો હોય છે. તેમણે કહ્યું કે અમેરિકાને આશા છે કે ભારત સહિત તમામ દેશો પોતાનાં હિતોનું રક્ષણ કરશે. અમેરિકા પણ પોતાના હિતો માટે કામ કરશે. તેમણે કહ્યું, ‘‘અમને પૂરી આશા છે કે માત્ર ભારત જ નહીં, પરંતુ જે દેશો સાથે પણ અમે વાટાઘાટો કરીએ છીએ, તે તમામ દેશો પોતાનાં હિતોનું રક્ષણ કરશે અને પોતાના માટે જે સારું હોય તે મેળવવા પ્રયાસ કરશે. અને અમે પણ પોતાનાં હિતો માટે લડીશું.''

રુબિયોના જણાવ્‍યા અનુસાર, જ્‍યારે બે દેશો મિત્ર અને સહયોગી હોય છે તથા તેમની વચ્‍ચે અનેક સમાનતાઓ હોય છે, ત્‍યારે તેમના માટે મતભેદો દૂર કરવા અને બંનેને ફાયદો થાય તેવો ઉકેલ શોધવો સરળ બની જાય છે.

(9:57 AM IST)