<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

બારામતીમાં સ્વ. અજિત પવારની ભવ્ય પૂર્ણકદની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ! જન્મજયંતિના બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે અશ્રુભીની આંખે આપી ભાવાંજલિ

ભાવુક દ્રશ્યો વચ્ચે 'દાદા'ના જીવનકાર્યને રજૂ કરતા ફોટો પ્રદર્શનનો પ્રારંભ: મહારાષ્ટ્રના વિકાસમાં આપેલું અતુટ યોગદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે

બારામતી, તા.૨૩: મહારાષ્ટ્રના રાજકારણમાં ઊંડી છાપ છોડી જનાર સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (દાદા) ની જન્મજયંતિના બીજા દિવસે તેમના હોમટ્રાઉન બારામતી ખાતે એક અત્યંત ભાવુક અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને સ્વ. અજિત પવારના ધર્મપત્ની સુનેત્રા પવારે અજિત દાદાની પૂર્ણ કદની ભવ્ય કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પરિવારના સભ્યો, રાજકીય આગેવાનો અને હજારો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિ અને અવિસ્મરણીય ક્ષણોનું પ્રદર્શન

પ્રતિમાના અનાવરણ બાદ સ્વ. અજિત પવારની સ્મૃતિમાં 'નટરાજ કલા મંડળ' દ્વારા એક વિશેષ ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં દાદાના બાળપણથી લઈને તેમની સફળ રાજકીય કારકિર્દી, જાહેર સેવા અને બારામતીના વિકાસમાં આપેલા યોગદાનની અવિસ્મરણીય ક્ષણોને તસવીરોના માધ્યમથી દર્શાવવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરતા લખ્યું હતું કે, "અનાવરણ બાદ ફોટો પ્રદર્શનની મુલાકાત લેતા દાદાના જીવનના વિવિધ તબક્કાઓ, જાહેર સેવા પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને વિકાસ પ્રત્યેનું દૂરંદેશી વિઝન ફરી એકવાર નજર સમક્ષ જીવંત થઈ ઉઠ્યું. બારામતી અને સમગ્ર મહારાષ્ટ્રના વિકાસ માટે તેમણે કંડારેલો માર્ગ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે."

બારામતી એરપોર્ટ પર થઈ હતી દુઃખદ વિમાન દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૨૮ જાન્યુઆરીની સવારે બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે લિયરજેટ ૪૫ (Learjet 45) વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર, તેમના અંગત સુરક્ષા અધિકારી, ફ્લાઇટ એટેન્ડન્ટ અને બે પાઇલટ સહિત તમામ ૫ લોકોના દુઃખદ અવસાન થયા હતા. આ અચાનક થયેલી મોટી ખોટ બાદ સુનેત્રા પવારે રાજ્યની અને બારામતીની જવાબદારી સંભાળી હતી.

 

(5:53 PM IST)