<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

થાણેમાં સર્જાયો મોટો ગમખ્વાર અકસ્માત: ચાલતી કાર પર ધરાશાયી થયા ૧૨ ટન વજનના લોખંડના સળિયા, MMRDA દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ૫૨ ૨ કરોડનો તોતિંગ દંડ

આનંદનગર-સાકેત એલિવેટેડ રોડના નિર્માણ કાર્ય દરમિયાન કોપરી બ્રિજ પાસે બની ચોંકાવનારી ઘટના; સદ્ભાગ્યે કારચાલકનો બચાવ થયો, સુરક્ષા મુદ્દે તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

થાણે : મહારાષ્ટ્રના થાણે શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને મોટા સમાચાર સામે આવ્યા છે. થાણેના વ્યસ્ત આનંદનગર-સાકેત એલિવેટેડ રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે દરમિયાન કોપરી બ્રિજ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પિલરના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા અંદાજે ૧૨ ટન વજનના વિશાળ લોખંડના સળિયા અચાનક નમીને રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ચાલતી કાર પર તૂટી પડ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જોકે સદ્ભાગ્યે કારચાલક સહેજ માટે ચમત્કારિક રીતે બચી ગયો હતો.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈ તરફ જઈ રહેલી કાર જ્યારે કોપરી બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી, તે જ સમયે એલિવેટેડ રોડના પિલરના બાંધકામ માટે ઊભા કરાયેલા લોખંડના સળિયાઓનો વિશાળ જથ્થો અચાનક રસ્તા તરફ ધસી આવ્યો હતો. આ ૧૨ ટન વજનના લોખંડી સળિયા સીધા જ ચાલતી કાર પર પડતા કારનો આગળનો કાચ અને બોનેટ ક્ષણવારમાં જ કડૂસ થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે હાઇવે પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લાંબા સમય સુધી વાહનવ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA) દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે. બાંધકામ સ્થળે સુરક્ષાના નિયમોમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ MMRDA એ પ્રોજેક્ટનું કામ સંભાળતા સબંધિત કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક ધોરણે ૨ કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર સુરક્ષા સાથે ચેડાં કરનારાઓ સામે કોઈપણ પ્રકારની ક્ષમા આપવામાં આવશે નહીં.

 

આ દુર્ઘટના પાછળના વાસ્તવિક કારણો શું હતા અને બાંધકામ સ્થળે સેફ્ટી પ્રોટોકોલના પાલનમાં ક્યાં ચૂક થઈ છે તે જાણવા માટે તંત્ર દ્વારા સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી તાત્કાલિક ક્રેન અને જેસીબીની મદદથી લોખંડના સળિયા હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. જોકે, આ ગંભીર અકસ્માતે હાઇવે પરથી પસાર થતા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.

(8:37 PM IST)