<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મહારાષ્ટ્રની સરકારી આશ્રમ શાળામાં મોટો અપરાધ: દૂષિત ભોજનથી ૭૦ બાળકો બીમાર, પ્રશાસનમાં દોડધામ

અમરાવતીના મેલઘાટમાં આયોજિત કાર્યક્રમનું ભોજન બન્યું ઝેર સમાન, ધારણી હોસ્પિટલમાં તમામ બાળકોની સારવાર જારી અને વહીવટી તંત્ર દ્વારા કડક તપાસના આદેશ

ધારણી : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મેલઘાટ વિસ્તારમાં આવેલી ટિટંબા સરકારી આદિવાસી આશ્રમ શાળામાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં ખાસ આયોજિત કાર્યક્રમ દરમિયાન પીરસવામાં આવેલું દૂષિત ભોજન આરોગવાથી અંદાજે ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડતા સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે.
શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભોજન લીધાના થોડા જ સમય બાદ પેટમાં તીવ્ર દુખાવો અને ઉલ્ટીઓની ફરિયાદો શરૂ કરી દીધી હતી. બાળકોની સ્થિતિ કથળતી જોઈ સ્કૂલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તમામ બીમાર વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત ધોરણે ધારણી ઉપજિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરતા હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર અને ખતરા બહાર હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
આ ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક વહીવટી તંત્ર અને ફૂડ સેફ્ટી વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવી ગયા છે. પ્રશાસન દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ પાસે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે તેમજ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરી શકાય

(10:52 AM IST)