તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: મતદાનના માત્ર બે જ દિવસ પહેલા TMC ઉમેદવાર જહાંગીર ખાને ફાલ્ટા બેઠક પરથી નામાંકન પાછું ખેંચ્યું!
ચૂંટણી પંચે ગેરરીતિઓના કારણે સમગ્ર ફાલ્ટા મિડલ ક્લાસ સીટનું મતદાન રદ કર્યું હતું; 'પુષ્પા' ફિલ્મ સાથે પોતાની સરખામણી કરનાર વિવાદાસ્પદ નેતાની અચાનક પીછેહઠથી તૃણમૂલ કોંગ્રેસ પણ ચોંકી ઉઠી

કોલકાતા, તા.૧૯: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી હાઈવોલ્ટેજ પેટાચૂંટણીના મતદાનના માત્ર ૪૮ કલાક પહેલા જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર જહાંગીર ખાને અચાનક જ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. આ ચોંકાવનારા નિર્ણયથી રાજ્યના રાજકીય ગરમાવા પર ભારે અસર પડી છે. ટીએમસીના સત્તાવાર પ્રવક્તા અરૂપ ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, "અમને જહાંગીર ખાને ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી મળી છે, પરંતુ તેમણે આ આકસ્મિક પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી."
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૯ એપ્રિલના રોજ યોજાયેલા મતદાન દરમિયાન ફાલ્ટા બેઠક પર "ગંભીર ચૂંટણી ગુનાઓ અને લોકશાહી પ્રક્રિયાના ભંગ"ના અહેવાલો સામે આવ્યા હતા. ચૂંટણી પંચે ઓબ્ઝર્વરના અહેવાલોના આધારે આ બેઠકના તમામ ૨૮૫ મતદાન મથકો પરની પ્રક્રિયાને અસાધારણ પગલું ભરીને રદ કરી દીધી હતી. પંચના અહેવાલમાં ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) સાથે છેડછાડ, મતદારોને ધાકધમકી અને બેલેટ યુનિટના બટનો પર કાળી ટેપ લગાડી દેવા જેવી ગંભીર ગેરરીતિઓ પકડાઈ હતી. આથી, આગામી ૨૧ મેના રોજ અહીં પુનઃ મતદાન (Re-polling) થવાનું નક્કી કરાયું છે, જેની મતગણતરી ૨૪ મેના રોજ હાથ ધરાશે.
ભાજપના આકરા પ્રહારો અને વિવાદોનું કેન્દ્ર
જહાંગીર ખાન બંગાળના રાજકારણમાં ભારે વિવાદાસ્પદ ચહેરો રહ્યા છે. તાજેતરમાં જ તેમણે પોતાની સરખામણી સુપરહિટ ફિલ્મ 'પુષ્પા'ના દાણચોર પાત્ર સાથે કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ડાયમંડ હાર્બરની એક રેલીમાં જહાંગીર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, "તે પુષ્પા ક્યાં છે? ૨૦૨૧માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે જેને કુખ્યાત ગુનેગાર જાહેર કર્યો હતો, તેમાંથી આ એક છે. તેને હવે મારા પર છોડી દો." આ રેલી પહેલા જ પોલીસે જહાંગીરના ખાસ ગણાતા અને ફાલ્ટા TMCના ઉપપ્રમુખ સૈદુલ ખાનની ગંભીર ગુનાહિત કેસોમાં ધરપકડ કરી લીધી હતી, જેનાથી જહાંગીર ચોતરફથી ઘેરાયા હતા.
બંગાળનું બદલાયેલું રાજકીય ચિત્ર
વર્ષ ૨૦૨૬ ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારે મોટો સત્તાપલટો જોવા મળ્યો છે. ભાજપે ૨૦૭ બેઠકો જીતીને રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષ લાંબા શાસનનો અંત આણ્યો છે, જ્યારે મમતા બેનર્જીની ટીએમસી માત્ર ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ છે. સત્તા ગુમાવ્યા બાદ પેટાચૂંટણીમાં પણ ટીએમસીના ઉમેદવારનું આ રીતે મેદાન છોડી દેવું પક્ષ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
