<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં મોટો વધારો: દિલ્હી પોલીસ કોલકાતા પહોંચી બજાવી નોટિસ, જાણો શું છે મામલો

વર્ષ ૨૦૧૩ના વિરોધ પ્રદર્શન અને પોલીસ અથડામણ કેસમાં સીઆરપીસીનીકલમ ૧૬૦ હેઠળ સાક્ષી તરીકે હાજર રહેવા આદેશ, રાજકીય માહોલ ગરમાયો

કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં અચાનક વધારો થયો છે. દિલ્હી પોલીસના કર્મચારીઓ સીધા કોલકાતામાં તેમના નિવાસસ્થાને નોટિસ પહોંચાડવા પહોંચ્યા હતા, જેમાં તેમને એક જૂના કેસના સંદર્ભમાં તપાસમાં જોડાવા અને સાક્ષી તરીકે પૂછપરછ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટિસ ફોજદારી કાર્યવાહી સંહિતા (સીઆરપીસી) ની કલમ ૧૬૦ હેઠળ જારી કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો ૯ એપ્રિલ, ૨૦૧૩ના રોજ નવી દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના ગુના સાથે સંબંધિત છે. તે સમયે આ કેસમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૧૮૬, ૩૫૩, ૩૩૨, ૧૪૭, ૧૪૯ અને ૩૪ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે સરકારી કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવવા, હુમલો કરવા અને ગેરકાયદેસર રીતે ભેગા થવા સાથે જોડાયેલા છે. જોકે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં મમતા બેનર્જીનું નામ આરોપી તરીકે નહીં પરંતુ સાક્ષી તરીકે તેમનું નિવેદન નોંધવા માટે સામેલ કરવામાં આવ્યું છે.

આ કેસ એપ્રિલ ૨૦૧૩માં રાષ્ટ્રીય રાજધાનીમાં ટીએમસી દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જી અને દિલ્હી પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ સાથે જોડાયેલો છે. તૃણમૂલ મંત્રીઓ અને સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી ગયેલા મમતા બેનર્જી સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસએફઆઈ) ના સભ્યો દ્વારા પશ્ચિમ બંગાળના તત્કાલીન નાણામંત્રી અમિત મિત્રા પર થયેલા કથિત હુમલાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. તે વખતે સંસદ માર્ગ પાસે વિરોધ પ્રદર્શન વખતે પોલીસ દ્વારા અટકાવવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો અને બેનર્જીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વીઆઈપી તરીકે નહીં પરંતુ જનપ્રતિનિધિ તરીકે લોકોના અધિકારો માટે લડવા આવ્યા છે.

વર્ષો જૂના આ કેસમાં અચાનક દિલ્હી પોલીસ દ્વારા નોટિસ બજાવવાની આ કવાયતથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી સમયમાં મમતા બેનર્જી આ નોટિસના જવાબમાં કયા પ્રકારનું કાનૂની કે રાજકીય પગલું ભરે છે અને દિલ્હી પોલીસની આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર દેશભરના રાજકીય વર્તુળોની વિશેષ નજર રહેશે.

(10:28 PM IST)