તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ભારતની ઉર્જા ક્ષમતામાં મોટો ઉછાળો: પરમાણુ શક્તિથી આત્મનિર્ભર બનવા તરફ દેશની મક્કમ ગતિ
હાલમાં ૮.૭૮ ગીગાવોટની ક્ષમતા સાથે ૨૪ રિએક્ટરો કાર્યરત, આગામી સમયમાં વધુ ૧૦ પરમાણુ પ્લાન્ટ્સ દેશને નવી ઉર્જા પૂરી પાડશે: ઓસ્ટ્રેલિયા સાથેના કરારથી યુરેનિયમના પુરવઠામાં મળશે વેગ

નવી દિલ્હી:ભારત પોતાની વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા અને સ્વચ્છ ઉર્જાના માધ્યમથી આર્થિક વિકાસને ગતિ આપવા માટે પરમાણુ ક્ષેત્રે મોટા પાયે વિસ્તરણ કરી રહ્યું છે. દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના લક્ષ્ય સાથે ભારત સરકાર સતત પરમાણુ કાર્યક્રમને વેગ આપી રહી છે. હાલના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના સાત અલગ-અલગ સ્થળોએ ૨૪ પરમાણુ રિએક્ટરો કાર્યરત છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા ૮.૭૮ ગીગાવોટ નોંધાઈ છે.
આ પરમાણુ રિએક્ટરોમાં મુખ્યત્વે પ્રેસરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWR), બોઈલિંગ વોટર રિએક્ટર્સ (BWR) અને લાઈટ વોટર રિએક્ટર્સ (LWR) નો સમાવેશ થાય છે. દેશમાં મોટાભાગના પ્રેસરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સને ચલાવવા માટે કુદરતી યુરેનિયમનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સરકારની આગામી યોજનાઓ વિશે વાત કરીએ તો, દેશમાં વધુ ૧૦ નવા પરમાણુ રિએક્ટરોનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. આ નવા પ્રોજેક્ટ્સ કાર્યરત થયા બાદ ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતામાં વધુ ૮,૦૦૦ મેગાવોટનો મોટો ઉમેરો થશે, જે દેશને ઉર્જાના ક્ષેત્રમાં વધુ સક્ષમ બનાવશે.
તાજેતરમાં મેલબોર્ન ખાતે યોજાયેલી ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં થયેલા મહત્વના કરારોનો લાભ પણ ભારતને મળી રહ્યો છે. આ સમિટમાં ભારત-ઓસ્ટ્રેલિયા સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ હેઠળ વહીવટી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ મહત્વના કરારથી ભારતને લાંબા ગાળા માટે ઓસ્ટ્રેલિયા પાસેથી યુરેનિયમની નિકાસ સરળ બનશે. ઓસ્ટ્રેલિયાથી પ્રાપ્ત થતું આ યુરેનિયમ ભારતના પરમાણુ રિએક્ટરો માટે બળતણનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, જેથી શાંતિપૂર્ણ ઉપયોગ માટે પરમાણુ ઉર્જાનું ઉત્પાદન સતત જળવાઈ રહેશે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
