<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

'રામાયણ' ફિલ્મ સામે ઝારખંડ હાઈકોર્ટમાં મોટી કાનૂની લડાઈ! સ્ટેની માંગ સાથે 50% કમાણી રામ મંદિર ટ્રસ્ટને આપવાનો પ્રસ્તાવ

મહર્ષિ વાલ્મીકિની રામાયણના કથાનક અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધના દ્રશ્યો દર્શાવાયા હોવાના આક્ષેપ સાથે ઝારખંડ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ : વિવાદાસ્પદ ભાગો દૂર ન થાય ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા અને ભગવાન રામની છબીને થયેલા નુકસાન બદલ 50 ટકા આવક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવાની માંગ કરવામાં

રાંચી. ભગવાન શ્રી રામના જીવનચરિત્ર પર આધારિત 'રામાયણ' ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ મોટા કાનૂની વિવાદમાં ફસાઈ છે અને અરજદાર સંતોષ કુમાર વતી એડવોકેટ સંતોષ કુમાર સોનીએ ઝારખંડ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી  દાખલ કરી છે. આ અરજીમાં ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, પટકથા લેખક તેમજ કેન્દ્ર અને ઝારખંડ સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે અને સ્પષ્ટ માંગ કરાઈ છે કે વાંધાજનક દ્રશ્યો દૂર કર્યા વિના ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી ન અપાય. અરજદારની દલીલ છે કે જો ફિલ્મ દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ છે અને ભગવાન રામની ગરિમાને ઠેસ પહોંચી છે, તો વળતરરૂપે ફિલ્મની કુલ કમાણીનો અડધો એટલે કે 50 ટકા હિસ્સો અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને દાન તરીકે આપવો જોઈએ.

અરજીમાં ફિલ્મના અનેક પ્રસંગો અને પાત્રાલેખન સામે તીવ્ર વાંધો ઉઠાવતા જણાવાયું છે કે કૈકેયીના વરદાન બાદ વનવાસ અને ભરતના રાજ્યાભિષેક સમયે લક્ષ્મણનું વર્તન તેમજ શૂર્પણખાનું નાક કાપવાની ઘટના પર માતા સીતાનો વિરોધ અને ભગવાન રામ-લક્ષ્મણની નિંદા કરતું ચિત્રણ અસ્વીકાર્ય છે. વધુમાં, ભગવાન રામ, સીતા અને લક્ષ્મણને ભાગતા કે દોડતા બતાવવા સામે પણ સવાલ ઉઠાવાયા છે કારણ કે વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ હંમેશા અડીખમ યોદ્ધા તરીકે આગળથી લડતા દર્શાવાયા છે, જ્યારે સુવર્ણ હરણ મારીચને જોઈને સીતા માતા "રામ" બોલે છે તે દ્રશ્ય પણ ભારતીય પરંપરા વિરુદ્ધ હોવાનું જણાવાયું છે કે જ્યાં પત્ની પતિનું નામ લેતી નથી.

આ ઉપરાંત, ફિલ્મમાં રાવણને મુખ્ય પાત્ર તરીકે રજૂ કરીને ભગવાન રામ કરતાં વધુ મહત્વ અપાયું હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે, જેનાથી મૂળ કથાના સંદેશ અને પવિત્રતાને નુકસાન પહોંચે છે. અરજદારે મહર્ષિ વાલ્મીકિ રચિત મૂળ રામાયણ અનુસાર જ કથાનક જાળવી રાખવા અને વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટ સમક્ષ કડક હસ્તક્ષેપની માંગ કરી છે.

(8:15 PM IST)