<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

હિમાલયમાં મોટો ગંભીર ખતરો: ઉત્તરાખંડની કેદારતાલ હિમનદી તળાવનો વિસ્તાર ૩૫ વર્ષમાં અંદાજે ૬૪ ટકા વધી જતાં ગ્લેશિયર ફાટવાની ભયાનક હોનારતનું જોખમ ઘેરાયું

​નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના વૈજ્ઞાનિક અભ્યાસમાં ધડાકો: તળાવની કુદરતી પાળ તૂટે તો માત્ર ૪૫ મિનિટમાં ગંગોત્રી ધામ સુધી જળપ્રલયની વિનાશક છાલકો પહોંચવાની કમ્પ્યુટર સિમ્યુલેશનમાં આશંકા

​દહેરાદૂન/રૂડકી: હવામાન પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના પરિણામે હિમાલયના અતિ સંવેદનશીલ પર્વતીય વિસ્તારોમાં કુદરતી વિનાશની આશંકા સતત ઘેરી બની રહી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અત્યંત ઊંચાઈ પર આવેલી પ્રસિદ્ધ 'કેદારતાલ' (Kedartal) હિમનદી તળાવ (Glacial Lake) અંગે રૂડકી સ્થિત 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી' (NIH) ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના વિસ્તૃત સંશોધનમાં ચોંકાવનારા અને ચિંતાજનક તારણો સામે આવ્યા છે.

​છેલ્લા ૩૫ વર્ષના ઉપગ્રહ (સેટેલાઇટ) ડેટા અને ભૌગોલિક આંકડાઓના પૃથક્કરણ પરથી માલૂમ પડ્યું છે કે કેદારતાલ તળાવના જળવિસ્તારમાં ૬૪ ટકા જેટલો જંગી વધારો થયો છે. જેના કારણે ભવિષ્યમાં 'ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ' (GLOF) એટલે કે હિમનદી તળાવ ફાટવાની ઘટના થકી સર્જાતા અચાનક પૂરનો ખતરો અનેકગણો વધી ગયો છે.

​૧૯૯૦થી ૨૦૨૫ સુધીમાં જળવિસ્તાર બમણો થયો

​NIH ના વૈજ્ઞાનિક ડૉ. લવકુશ કુમાર પટેલ તેમજ તેમની સંશોધક ટીમ (શિવશંકર યાદવ, આદર્શ પાઢી, મધૂસૂદન થપલિયાલ અને સુરજીત સિંહ) દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસ મુજબ, વર્ષ ૧૯૯૦માં કેદારતાલ તળાવનો કુલ વિસ્તાર આશરે ૬૪,૪૫૬ ચોરસ મીટર હતો, જે વર્ષ ૨૦૨૫ સુધીમાં કુદકે ને ભૂસકે વધીને ૧,૩૩,૮૨૩ ચોરસ મીટર સુધી પહોંચી ગયો છે. તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને કારણે હિમાલયના ગ્લેશિયર (બર્ફીલા પહાડો) ઝડપથી પીગળી રહ્યા છે. પીગળેલું પાણી આ ઊંચાઈવાળા તળાવમાં એકઠું થતાં ત્યાં જળનો સંગ્રહ ક્ષમતા કરતા ઘણો વધારે વધી ગયો છે.

​કમ્પ્યુટર સિમ્યુલેશન: ગંગોત્રી સુધી કાળચક્ર પહોંચશે

​સંશોધકોએ કમ્પ્યુટર આધારિત આધુનિક 'ફ્લડ સિમ્યુલેશન' મોડેલિંગ દ્વારા સૌથી ખરાબ સ્થિતિ (Worst-case Scenario) નું મૂલ્યાંકન કર્યું હતું. આ મોડેલિંગના પરિણામો દર્શાવે છે કે જો કેદારતાલને ઘેરીને રહેલી પથ્થરો, કાંકરા અને બરફની કુદરતી પાળ (Moraine Dam) કોઈ અચાનક ભૂસ્ખલન કે ભૂકંપને કારણે તૂટી પડે, તો કેદાર-ગંગા ઘાટીમાં અત્યંત તીવ્ર અને વિનાશક પૂરનું મોજું ફરી વળશે.

​આ કાલ્પનિક પરંતુ ગંભીર સિમ્યુલેશન મુજબ, તળાવ ફાટવાના કિસ્સામાં પૂરના રૌદ્ર પાણી માત્ર ૪૫ મિનિટના ટૂંકા ગાળામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા પવિત્ર ગંગોત્રી ધામ સુધી પહોંચી શકે છે. સાંકડી ઘાટીઓમાં નદીનું પાણી કેટલાય મીટર ઊંચે ઉછળવાની અને નીચાણવાળા માનવ વસવાટ ધરાવતા વિસ્તારોમાં ભારે તારાજી સર્જવાની ભીતિ છે.

​વધતું તાપમાન અને વાદળફાટવાની ઘટનાઓ પાયાનું કારણ

​વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હિમાલય ક્ષેત્રમાં તાપમાનનો ગ્રાફ ઊંચો જવો અને ટૂંકા સમયમાં અનિયમિત તથા અતિભારે વરસાદ (Cloudburst) થવો એ બે મુખ્ય પરિબળો છે. વધતી ગરમીથી બરફ ઝડપથી ઓગળે છે અને ભારે વરસાદ તળાવના કુદરતી બંધ પર અતિશય દબાણ ઊભું કરે છે. જ્યારે કુદરતી અવરોધ આ દબાણ સહન કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે 'ગ્લોફ' (GLOF) ની પ્રલયંકર આપત્તિ સર્જાય છે.

​દહેશત ફેલાવવાનો હેતુ નથી, પૂર્વતૈયારી જરૂરી: વૈજ્ઞાનિકો

​અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા વૈજ્ઞાનિક ડૉ. લવકુશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે આ સંશોધનનો હેતુ લોકોમાં ભય કે દહેશત ફેલાવવાનો નથી, પરંતુ ભાવિ કુદરતી હોનારત સામે વહીવટીતંત્રને સજાગ કરવાનો છે. આ અભ્યાસ દર્શાવે છે કે આટલી મોટી સંભવિત આફત સામે તકેદારીના પગલાં લેવા કેટલા જરૂરી છે.

​વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે કે કેદારતાલ જેવા અતિ સંવેદનશીલ હિમનદી તળાવો પર સતત સેટેલાઇટ અને ગ્રાઉન્ડ મોનિટરિંગ રાખવું જોઇએ. આ ઉપરાંત, આ વિસ્તારોમાં 'અર્લી વોર્નિંગ સિસ્ટમ' (વહેલી ચેતવણી આપતી તકનીક) સ્થાપિત કરવી, પૂરના સંભવિત ખતરાવાળા વિસ્તારોનું રેડ-ઝોન મેપિંગ કરવું અને સ્થાનિક નાગરિકો તેમજ યાત્રાળુઓને આવી આપત્તિઓ સામે જાગૃત કરવા અત્યંત આવશ્યક બની ગયા છે.

(5:03 PM IST)