<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અંધેરીના સાકીનાકા વિસ્તારમાં આવેલા ભંગારના ગોદામમાં મોડી રાતે ફાટી નીકળી ભીષણ આગ: ૬૦થી વધુ દુકાનો અને ગાળા ખાક થતાં મચ્યો નાશભાગ, આગની ભયાનક લપેટમાંથી બે બળી ગયેલા શબ મળી આવતા સનસનાટી

ખૈરાની રોડ પર આવેલા અબ્દુલ રશીદ કમ્પાઉન્ડમાં અચાનક લાગેલી આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ; ચાર ગંભીર ઈજાગ્રસ્તોને રાજાવાડી હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે ઓળખની તજવીજ હાથ ધરી.

મુંબઈ : મુંબઈના અંધેરી (સાકીનાકા) વિસ્તારમાંથી એક અત્યંત હૃદયોત્તેજક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સાકીનાકાના ખૈરાની રોડ પર આવેલા અબ્દુલ રશીદ કમ્પાઉન્ડમાં સ્થિત એક ભંગારના ગોદામમાં મંગળવારની સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગે ટૂંક સમયમાં જ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે તેની ચપેટમાં આસપાસના ૬૦ થી ૭૦ જેટલા ગાળા, ચાલ અને મકાનો પણ આવી ગયા હતા. કલાકો સુધી ચાલેલી ભારે જહાંબહેફ બાદ ફાયર બ્રિગેડે મધરાતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી, પરંતુ આગની રાખમાંથી બે અજાણ્યા વ્યક્તિઓના સંપૂર્ણપણે બળી ગયેલા મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને સનસનાટી ફેલાઈ ગઈ છે.

 

મળતી માહિતી મુજબ, આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડે સમયસર ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી, પરંતુ તે પહેલાં જ ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોમાં તૌફિક શાદિલ કુરેશી (૨૦), જાહિદ અબિદુલ્લા કુરેશી (૨૦), કમાલ જલાલુદ્દીન શાહ (૪૭) અને લાલચંદ રામલખન ગૌતમ (૪૦)નો સમાવેશ થાય છે. જેમાંથી ૮૦ ટકા દાઝી ગયેલા તૌફિકની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

આગના આ તાંડવમાં ગોદામમાં રહેલું ઇલેક્ટ્રિક વાયરિંગ, ગાર્મેન્ટ્સનો સ્ટોક, પ્લાસ્ટિકના દાણા, લાકડાંનું ફર્નિચર, એરોસોલના ખાલી કન્ટેનર, એલપીજી સિલિન્ડર અને વિવિધ મશીનો સહિતનો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, તેમજ રસ્તા પર પાર્ક કરેલી બે બાઈક પણ આગની ભેટ ચડી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગ ઓપરેશન દરમિયાન એરોસોલ કન્ટેનર રાખવાના વિસ્તારમાંથી બે બળેલા શબ મળી આવ્યા હતા, જેને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મૃતકોની ઓળખ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

(7:25 PM IST)