<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ઈન્ડોનેશિયાના મદુરા દ્વીપ નજીક પેસેન્જર ફેરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં ૫ લોકોના મોત : ૪૧ મુસાફરો હજુ પણ લાપતા : જુઓ વિડીયો

પૂર્વ જાવાના સુરાબાયાથી મકાસર જઈ રહેલી ફેરીમાં ૨૭૧ લોકો સવાર હતા : ૨૨૫ મુસાફરોને સુરક્ષિત બચાવાયા : દરિયામાં મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ

જકાર્તા: ઈન્ડોનેશિયાના મદુરા દ્વીપ નજીક રવિવારે એક પેસેન્જર ફેરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૪૧ લોકો હજુ પણ લાપતા છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ એજન્સીઓ દ્વારા દરિયામાં મોટા પાયે શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

ઈન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત એકંદર ૨૭૧ લોકો સવાર હતા. રવિવાર બપોર સુધીમાં ઓછામાં ઓછા ૨૨૫ લોકોને સુરક્ષિત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લાપતા મુસાફરોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફેરી પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર તરફ જઈ રહી હતી, તે દરમિયાન જાવાના ઉત્તર-પૂર્વ કિનારે આવેલા મદુરા દ્વીપ નજીક પહોંચતાં તેમાં અચાનક આગ લાગી ગઈ હતી.

 

રેસ્ક્યુ ઓપરેશન માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અનેક જહાજોને દરિયામાં તૈનાત કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારમાં સઘન તલાશી હાથ ધરવામાં આવી રહી છે. ફેરીમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

 

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં ફેરીમાં આગ લાગવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ જુલાઈ ૨૦૨૫માં પણ ઉત્તરી સુલાવેસી પ્રાંત નજીક 'KM Barcelona 5' નામના મુસાફર જહાજમાં આગ લાગતાં ૩ લોકોના મોત થયા હતા, જ્યારે ૧૫૦ લોકોને બચાવાયા હતા. આશરે ૨૮૦ લોકોને લઈ જઈ રહેલા આ જહાજમાં ૧૯ જુલાઈ ૨૦૨૫ના રોજ પ્રાંતની રાજધાની મનાડો નજીક દરિયાઈ સફર દરમિયાન આગ લાગી હતી.

(3:45 PM IST)