<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

દહેરાદૂનની જાણીતી પેનેસીયા હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ ભભૂકી : ઈમરજન્સી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી

દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓ અને સ્ટાફને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડાયા: ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે; રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનની જાણીતી પેનેસીયા હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ હોસ્પિટલના સૌથી સંવેદનશીલ ગણાતા ઈમરજન્સી વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે પ્રાથમિક અહેવાલ અનુસાર એસી યુનિટમાં બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આ ભયાનક દુર્ઘટનામાં હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક દર્દીઓ ગંભીર રીતે દાઝ્યાં હોવાનું સામે આવ્યું છે. 

ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં કાર્યરત એસી યુનિટમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગની જ્વાડાઓ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતુ. વોર્ડમાં ધુમાડાના ગોટેગોટા ભરાઈ જતાં શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી, જેના કારણે ગંભીર હાલતમાં દાખલ દર્દીઓ અને ડ્યુટી પરના મેડિકલ સ્ટાફમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન અને ફાયર ફાઇટર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે.

આગ લાગ્યાની માહિતિ મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓએ હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. હોસ્પિટલની અંદર ફસાયેલા દર્દીઓને બારીઓ અને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે દર્દીઓ આગની ઝપેટમાં આવીને દાઝી ગયા છે, તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં લાગેલી આ ભીષણ આગને પગલે આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને સુરક્ષાના ભાગરૂપે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(1:14 PM IST)