<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ઉત્તરાખંડના બાગેશ્વરમાં પ્રાચીન આદિ બદ્રી મા ભગવતી મંદિરમાં ભીષણ આગથી તબાહી : લાકડાની અદ્ભુત કોતરણી ધરાવતા મુખ્ય મંદિરને ભારે નુકસાન

બાગેશ્વર, તા. ૧૬ : ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારના બદિયાકોટ ગામમાં આવેલા પ્રાચીન આદિ બદ્રી મા ભગવતી મંદિરમાં શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ લાગતાં મંદિરના મુખ્ય માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ અને નુકસાનનો આંકડો હજુ જાણી શકાયો નથી.

 

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર બદિયાકોટમાં આવેલા ઐતિહાસિક આદિ બદ્રી મા ભગવતી મંદિરમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મંદિરના મુખ્ય ભાગને ભારે નુકસાન થયું હતું. દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમો ઉપર પણ પ્રસારિત થયો છે.

 

કુમાઉં ક્ષેત્રનું આ મંદિર પરંપરાગત હિમાલયી સ્થાપત્ય અને લાકડાની સુંદર નકશીદાર કોતરણી માટે પ્રસિદ્ધ છે. બાંધકામમાં લાકડાનો ઉપયોગ વધારે હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ધાર્મિક આસ્થા ઉપરાંત સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ ધરાવતા આ મંદિરને નુકસાન થતાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.

 

અંતરિયાળ પહાડી વિસ્તારને કારણે અગ્નિશામક કામગીરીમાં મુશ્કેલી પડી હોવાના અહેવાલો છે.

 

(3:22 PM IST)