<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

પોલીસની ત્વરિત સતર્કતાથી સર્જાયો ચમત્કાર: મધરાતે ફાઉન્ટન બ્રિજ પરથી નદીમાં કૂદવા ગયેલા એક જ પરિવારના ૪ સભ્યોનો આબાદ બચાવ!

આર્થિક સંકડામણ અને કૌટુંબિક વિવાદથી કંટાળી ડિલિવરી બોય પત્ની અને બે નાની પુત્રીઓ સાથે આત્મહત્યા કરવા પહોંચ્યો; કંટ્રોલ રૂમના મેસેજ બાદ ૨૦ મિનિટમાં પહોંચેલા બીટ માર્શલોએ દેવદૂત બની ઉગાર્યા

થાણે : મીરા રોડ નજીક આવેલા ફાઉન્ટન બ્રિજ પર મધરાતે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બનતા અટકી ગઈ છે. આર્થિક મજબૂરી અને દેવાના બોજ તળે દબાયેલા ૨૮ વર્ષીય એક યુવકે પોતાની પત્ની અને બે નાની પુત્રીઓ સાથે જીવન ટૂંકાવવાનો ભયાનક નિર્ણય લઈ લીધો હતો. જોકે, મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ઉચ્ચ અધિકારીઓ અને કાશીગાંવ પોલીસ સ્ટેશનના બે બીટ માર્શલોની ત્વરિત સતર્કતા અને સમયસૂચકતાને કારણે આખી જિંદગી હોમાઈ જતી બચી ગઈ છે.

 

સોમવારે મધરાતે આશરે ૨ વાગ્યે પોલીસ કમિશનર નિકેત કૌશિકને ગુપ્ત માહિતી મળી હતી કે એક પરિવાર ફાઉન્ટન બ્રિજ પરથી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ કર્યો હતો. કંટ્રોલ રૂમની સૂચના મળતા જ કાશીગાંવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંતોષ ધુળા કોકરે અને કોન્સ્ટેબલ વિકાસ શ્રીરંગ મોહિતે માત્ર ૨૦ જ મિનિટમાં ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બ્રિજ પરથી કૂદવાની તૈયારી કરી રહેલા પરિવારને એન્ S મોકે હેમખેમ તાબામાં લઈ લીધો હતો.

 

પોલીસ સ્ટેશને લાવીને હાથ ધરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મીરા રોડ પૂર્વના શાંતિ પાર્ક વિસ્તારમાં રહેતો અને ડિલિવરી બોય તરીકે કામ કરતો આ યુવક ગંભીર નાણાભીડમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પોતાની બહેન પાસે સોનાના દાગીના ગિરવે મૂકીને સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ આર્થિક સ્થિતિ કથળતા અને પરિવાર સાથેના વિવાદને કારણે તે તણાવમાં આવી ગયો હતો. પોલીસે કાશીગાંવ પોલીસ સ્ટેશન ખાતે દંપતીનું યોગ્ય રીતે કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમના ભાઈ-બહેનને બોલાવીને પરિવારનો વિવાદ ઉકેલવા મધ્યસ્થી કરી હતી.

(8:51 PM IST)