<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

અમદાવાદના જોધપુર વોર્ડમાં રૂ. ૧૫.૬૦ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક 'નોલેજ હબ'નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં આકાર પામેલું આ પુસ્તકાલય યુવાનો માટે બનશે સાયન્સ-ટેક્નોલોજી અને જ્ઞાન સંવર્ધનનું ઉત્તમ કેન્દ્ર

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોન અંતર્ગત જોધપુર વોર્ડમાં તપસ બંગ્લોઝની બાજુમાં અંદાજે રૂ. ૧૫.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક 'નોલેજ હબ' (પુસ્તકાલય)નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્ર અંતર્ગત આકાર પામેલા આ નોલેજ હબના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

 

આ આધુનિક નોલેજ હબનો મુખ્ય ઉદ્દેશ્ય સાયન્સ અને ટેક્નોલોજીના વર્તમાન યુગમાં યુવા વર્ગને રોજબરોજની નવીનતમ માહિતી પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવાનો છે.

 

આ પુસ્તકાલય વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર સચોટ માહિતી મેળવવા, જ્ઞાનની આપ-લે કરવા અને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવા માટે એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડશે, જે પ્રોજેક્ટ સંશોધન અને સર્જનાત્મક લેખન માટે અત્યંત ઉપયોગી નીવડશે.

 

આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ કાંતિલાલ બારોટ, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન ચિતરંજન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

આગામી સમયમાં આ નોલેજ હબ સ્થાનિક વાચકો, યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અર્જનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે, જે શહેરના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

(7:36 PM IST)