તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
૧,૦૦૦ વર્ષમાં એકવાર જોવા મળતી કુદરતી આફત : લોનાવલામાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૨૬.૩૭ ઇંચ (૬૭૦ મીમી) વરસાદથી જળબંબોળ : તામ્હિણી ઘાટમાં ૨૦.૮૬ ઇંચ (૫૩૦ મીમી) આભ ફાટતાં માવલ તાલુકામાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ૩ લોકોના કરુણ મોત
ભારે વરસાદને કારણે ભોર ઘાટ સેક્શનમાં અનેક જગ્યાએ ભેખડો ધસી પડી : મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અને રેલવે લિંક ખોરવાતા વાહનવ્યવહારને વ્યાપક અસર : ઈન્દ્રાણી નદી ઓવરફ્લો થતાં કાર્લા ગામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને પોલીસનું બચાવ અભિયાન

લોનાવલા, તા. ૭ જુલાઈ, ૨૦૨૬ : મુંબઈ અને પુણે વચ્ચે આવેલું મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન લોનાવલા કુદરતના પ્રકોપનો ભોગ બન્યું છે. લોનાવલામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આભ ફાટતાં અધધ ૨૬.૩૭ ઇંચ (૬૭૦ મીમી) વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, લોનાવલામાં આટલી ટૂંકી અવધિમાં આટલો પ્રચંડ વરસાદ પડવાની સંભાવના ૧,૦૦૦ વર્ષમાં માંડ એકાદ વાર જ હોય છે.
હવામાન વિભાગનું ચોંકાવનારું વિશ્લેષણ - સદીનો સૌથી મોટો વરસાદ:
હવામાન વિભાગના પુણે કેન્દ્રના ક્લાઇમેટ રિસર્ચ એન્ડ સર્વિસિસ ડિવિઝનના પૂર્વ વડા કે. એસ. હોસલીકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર આ ઐતિહાસિક વરસાદી ઘટનાનું વિશ્લેષણ શેર કર્યું છે. તેમના અહેવાલ મુજબ, લોનાવલામાં ૧૬.૩૭ ઇંચ (૪૧૬ મીમી) વરસાદ ૨૫ વર્ષમાં એકવાર, ૧૮.૧૪ ઇંચ (૪૬૧ મીમી) વરસાદ ૫૦ વર્ષમાં એકવાર, ૧૯.૯૨ ઇંચ (૫૦૬ મીમી) વરસાદ ૧૦૦ વર્ષમાં એકવાર, ૨૪.૦૧ ઇંચ (૬૧૦ મીમી) વરસાદ ૫૦૦ વર્ષમાં એકવાર અને ૨૫.૭૪ ઇંચ (૬૫૪ મીમી) વરસાદ ૧,૦૦૦ વર્ષના ગાળામાં એકાદ વાર જ પડવાની સંભાવના હોય છે. ત્યારે આ વખતે પડેલો ૨૬.૩૭ ઇંચ (૬૭૦ મીમી) વરસાદ તમામ ભૂતકાળના રેકોર્ડ તોડી ચૂક્યો છે. આ ઉપરાંત, નજીકમાં આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ તામ્હિણી ઘાટમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦.૮૬ ઇંચ (૫૩૦ મીમી) જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
ભોર ઘાટમાં ભૂસ્ખલન - મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અને રેલવે વ્યવહાર ઠપ્પ:
કે. એસ. હોસલીકરે વધુમાં જણાવ્યું હતું કે અતિભારે વરસાદના કારણે ભોર ઘાટ સેક્શનમાં વ્યાપક પ્રમાણમાં ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની છે. જેના સીધા પરિણામે મુંબઈ અને પુણેને જોડતો મુખ્ય એક્સપ્રેસ-વે તેમજ કનેક્ટિંગ રેલવે લિંક સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. આ માર્ગો પર વાહનવ્યવહાર અને ટ્રેનોની અવરજવર અટકી પડતાં હજારો મુસાફરો અટવાયા છે અને પરિવહન તંત્રને ભારે અસર પહોંચી છે. બીજી તરફ, લોનાવલા નજીક આવેલી ઈન્દ્રાણી નદી જોખમી સપાટી વટાવીને ઓવરફ્લો થતાં કાર્લા ગામ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જ્યાંથી એક મહિલા સહિતના સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માવલ તાલુકાના પાટણ ગામમાં આભ ફાટ્યું - કાટમાળ નીચે દબાઈ જવાથી પરિવારના ૩ સભ્યોના મોત:
આ ભયાનક આપત્તિ વચ્ચે સોમવારે વહેલી સવારે માવલ તહસીલના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાટણ ગામમાં હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ભારે વરસાદના કારણે ગામમાં એકસાથે ત્રણ જગ્યાએ મોટા ભૂસ્ખલન થયા હતા. લોનાવલા ડિવિઝનના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ગજાનન તોમ્પેએ જણાવ્યું હતું કે, વહેલી સવારે જ્યારે આખો વિસ્તાર નિદ્રાધીન હતો ત્યારે પહાડ પરથી ભેખડ ધસી પડતાં એક મકાન તેની ઝપેટમાં આવી ગયું હતું અને કાટમાળ નીચે આખું ઘર દબાઈ ગયું હતું.
દુર્ઘટના સમયે ઘરની અંદર હાજર એક જ પરિવારના ત્રણ સભ્યો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા અને ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્થાનિક પોલીસ અને સ્થાનિક બચાવ જૂથોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
