<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જ્ઞાનક્રાંતિની નવી શરૂઆત: નવી દિલ્હીમાં અત્યાધુનિક ‘જયપ્રકાશ નારાયણ પબ્લિક લાઇબ્રેરી’ નું ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું ઉદ્ઘાટન; યુવા પેઢીને પુસ્તકો તરફ વળવા કરી હૃદયસ્પર્શી અપીલ

"એકવાર વાંચનની ટેવ પડી જશે, તો યુવાનો ક્યારેય પાછા નહીં પડે"– અમિતભાઈ શાહ; ૧ કરોડ ઓનલાઇન પુસ્તકોની સુવિધા, ફ્રી વાઇ-ફાઇ અને RFID ટેકનોલોજીથી સજ્જ લાઇબ્રેરી દિલ્હીના વિદ્યાર્થીઓ માટે બનશે આશીર્વાદરૂપ

નવી દિલ્હી : દેશના ડિજિટલ યુગમાં યુવા પેઢીને ફરી એકવાર જ્ઞાન અને પુસ્તકોના ભંડાર તરફ વાળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં ભવ્ય ‘જયપ્રકાશ નારાયણ પબ્લિક લાઇબ્રેરી’ નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની અને યુવાનોને સંબોધતા ગૃહમંત્રીએ વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતરમાં અને રાષ્ટ્રનિર્માણમાં પુસ્તકાલયોની અનિવાર્ય ભૂમિકા પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો અને દેશના યુવાનોને પુસ્તકાલયો સાથે સક્રિયપણે જોડાવા આહવાન કર્યું હતું.

શ્રી અમિતભાઈ શાહે લોકનાયક જયપ્રકાશ નારાયણના અપ્રતિમ દેશપ્રેમને યાદ કરતાં જણાવ્યું હતું કે, "જેપી એક મહાન સ્વતંત્રતા સેનાની, ક્રાંતિકારી વિચારક અને રાષ્ટ્રીય નેતા હતા જેમણે દેશને લોકશાહીનો સાચો માર્ગ બતાવ્યો હતો. આજે તેમના નામે શરૂ થયેલું આ પુસ્તકાલય દેશ અને આપણી ભવ્ય સંસ્કૃતિને સમજવા માટેનું એક પાવરફુલ માધ્યમ બનશે." તેમણે ઉમેર્યું કે પુસ્તકોમાંથી મળતું જ્ઞાન જ્યારે વ્યવહારમાં ઉતરે છે, ત્યારે તે શાણપણ અને દેશભક્તિમાં પરિવર્તિત થાય છે.

ગાંધીનગર મોડલનો ઉલ્લેખ: દરેક ગામમાં પુસ્તકાલય

વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સરકારના પાયાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરનું સફળ મોડલ દેશ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે ગર્વભેર જણાવ્યું કે, "ગાંધીનગર લોકસભા વિસ્તારના દરેક ગામડામાં અદ્યતન પુસ્તકાલયો ખોલવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક જગ્યાએ ૩,૦૦૦ થી ૪,૦૦૦ ઉત્તમ પુસ્તકો ઉપલબ્ધ છે. આ તમામ ગ્રામીણ પુસ્તકાલયોને એક સેન્ટ્રલ લાઇબ્રેરી સાથે ડીજીટલી કનેક્ટ કરવામાં આવ્યા છે, જ્યાં ૧.૨૫ લાખથી વધુ પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે."

આ સફળ પ્રયોગના આધારે તેમણે દિલ્હી સરકારને પણ અપીલ કરી હતી કે તેઓ દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પુસ્તકાલયોને શાળાઓ સાથે સાંકળીને એક સુવ્યાખ્યાયિત ‘માસ્ટર પ્લાન’ તૈયાર કરે. તેમણે લાઇબ્રેરીના સ્ટાફને ટાસ્ક આપ્યો હતો કે તેઓ નવી દિલ્હીની આસપાસની ઓછામાં ઓછી ૧૦ વિધાનસભા બેઠકોની શાળાઓ સુધી રૂબરૂ પહોંચે અને યુવાનોને આ ડિજિટલ લાઇબ્રેરીની મુલાકાત લેવા પ્રેરિત કરે.

હાઇટેક લાઇબ્રેરી: ૧ કરોડ ઓનલાઇન પુસ્તકો અને RFID સિસ્ટમ

‘જયપ્રકાશ નારાયણ પબ્લિક લાઇબ્રેરી’ ની આધુનિક વિશિષ્ટતાઓ:

· પુસ્તકોનો ખજાનો: લાઇબ્રેરીમાં રૂબરૂ વાંચવા માટે ૩૨,૦૦૦ થી વધુ મૂલ્યવાન પુસ્તકો ઉપલબ્ધ છે.

· ગ્લોબલ ઈ-લાઇબ્રેરી: ડિજિટલ રીડર્સ માટે ખાસ ઈ-લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેની મદદથી વિદ્યાર્થીઓ ૧ કરોડથી વધુ ઓનલાઇન પુસ્તકો (Online Books) મફતમાં એક્સેસ કરી શકશે.

· સ્માર્ટ ટેકનોલોજી: સમગ્ર કેમ્પસમાં હાઇ-સ્પીડ ફ્રી વાઇ-ફાઇ (Wi-Fi) સુવિધા છે. પુસ્તકોના ઓટોમેટેડ ટ્રેકિંગ માટે આધુનિક ‘RFID-આધારિત પુસ્તક વ્યવસ્થાપન પ્રણાલી’ લગાવવામાં આવી છે.

· વિશેષ ઝોન: સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ રિસર્ચ સેન્ટર, બાળકો માટે કિડ્સ ઝોન, આધુનિક મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ અને નોંધ લેવા માટે સ્માર્ટ મોનિટર્સ સ્ક્રીન લગાવવામાં આવી છે.

આ ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, પીડબ્લ્યુડી મંત્રી પરવેશ વર્મા, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ના અધ્યક્ષ કેશવ ચંદ્રા સહિત શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રના અનેક અગ્રણી મહાનુભાવો અને મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:31 PM IST)