<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ચારધામ યાત્રામાં હાઈટેક સુરક્ષાનો નવો અધ્યાય: હવે દરેક શ્રદ્ધાળુની મૂવમેન્ટ પર RFID સિસ્ટમથી રખાશે બાજ નજર

અમરનાથ યાત્રાની તર્જ પર બદ્રીનાથ-કેદારનાથ માર્ગો ડિજિટલ ટ્રેકિંગથી સજ્જ થશે: ગુમ થયેલા કે બીમાર યાત્રાળુઓને શોધવામાં એડમિનિસ્ટ્રેશનને મળશે મોટી સફળતા અને કેદારનાથમાં 25 હજાર લોકો માટે રાત્રિ રોકાણની થશે ખાસ સુવિધા

દેહરાદૂન:ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રાની સફળતા બાદ હવે ચારધામમાં પણ રેડિયો ફ્રીક્વેન્સી આઈડેન્ટિફિકેશન (RFID) સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ની ભલામણ મુજબ, હવે દરેક શ્રદ્ધાળુને એક ખાસ ડિજિટલ ટેગ આપવામાં આવશે, જે યાત્રા માર્ગ પર ઠેર-ઠેર લાગેલા રીડર મશીનો દ્વારા સ્કેન થશે. આ સિસ્ટમ દ્વારા કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ માહિતી મળશે કે કયા માર્ગ પર કેટલો ધસારો છે અને કયા શ્રદ્ધાળુની છેલ્લી લોકેશન કઈ હતી, જેથી ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સચોટ બનશે.

આ નવી ટેકનોલોજી ખાસ કરીને આપત્તિના સમયે આશીર્વાદરૂપ સાબિત થશે. જો કોઈ શ્રદ્ધાળુ રસ્તો ભટકી જાય, બીમાર પડે કે ગુમ થાય, તો RFID સિસ્ટમ દ્વારા તેની ચોક્કસ લોકેશન તરત જ ટ્રેસ કરી શકાશે, જેનાથી રેસ્ક્યૂ ટીમ કોઈ પણ વિલંબ વગર મદદ પહોંચાડી શકશે. એનડીએમએના મુખ્ય સલાહકાર મેજર જનરલ સુધીર બહેલના જણાવ્યા અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત કરવાની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવાની પણ દરખાસ્ત છે. આ સિસ્ટમ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ગેરકાયદેસર એન્ટ્રી રોકવામાં પણ અત્યંત અસરકારક સાબિત થશે, જેનાથી સમગ્ર યાત્રાનો રૂટ ડિજિટલ કિલ્લામાં ફેરવાઈ જશે.

બીજી તરફ, કેદારનાથ ધામમાં દર વર્ષે સર્જાતી રહેવાની સમસ્યાને ઉકેલવા માટે પણ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ વખતે ‘નો રૂમ’ની સ્થિતિ નિવારવા માટે અંદાજે 25 હજાર શ્રદ્ધાળુઓ એકસાથે રાત્રિ રોકાણ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હાઈટેક કોટેજ અને ટેન્ટ સિટીની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. યાત્રાળુઓને હવે રહેવા માટે ભટકવું નહીં પડે અને તેઓ શાંતિથી બાબા કેદારના દર્શન કરી શકશે. અત્યાર સુધી ગ્રીન કાર્ડ અને ટ્રીપ કાર્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી, પરંતુ હવે RFID અને AI ના જોડાણથી ચારધામ યાત્રા આધુનિકતા અને સુરક્ષાનો સમન્વય બની રહેશે.

(12:22 PM IST)