તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
"ભારત-ચીન સંબંધોમાં નવું પ્રકરણ!": વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની બેઇજિંગ યાત્રા; દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વરિષ્ઠ ચીની નેતાઓ સાથે કરી મહત્વપૂર્ણ બેઠકો
રાજકીય સંવાદ, શૈક્ષણિક સહયોગ અને સરહદી શાંતિ પર ભાર; વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- "સરહદ પર સ્થિરતા જ સામાન્ય સંબંધોની પહેલી શરત"

બેઇજિંગ : ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવને હળવો કરવા અને દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પોતાની ચીનની સત્તાવાર મુલાકાત દરમિયાન સોમવારે બેઇજિંગ ખાતે વરિષ્ઠ ચીની અધિકારીઓ અને નેતાઓ સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશોના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા માર્ગદર્શનનો અમલ કરવાનો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે.
વરિષ્ઠ ચીની નેતાઓ સાથે મહત્વપૂર્ણ વાટાઘાટો
ચીનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પોતાની યાત્રાની શરૂઆત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) ની સેન્ટ્રલ કમિટીના આંતરરાષ્ટ્રીય વિભાગના ઉપમંત્રી સુન હૈયાન સાથેની મુલાકાતથી કરી હતી. આ બેઠકમાં ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી પણ હાજર રહ્યા હતા.
· પ્રાથમિકતાના મુદ્દા: બંને દેશો વચ્ચે રાજકીય સંવાદ, શૈક્ષણિક સહયોગ, થિંક-ટેન્ક ક્રિયાપ્રતિક્રિયાઓ અને લોકો-થી-લોકોના આદાનપ્રદાન (People-to-People Exchange) ને પ્રોત્સાહન આપવા પર સંમતિ સાધવામાં આવી હતી.
· CPPCC સાથે મુલાકાત: બાદમાં વિદેશ સચિવે 'ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ' (CPPCC) ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હોંગ લિયાંગ સાથે પણ બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ પર ચર્ચા કરી હતી.
"સરહદ પર શાંતિ વિના સામાન્ય સંબંધો અશક્ય": એસ. જયશંકર
આ પહેલાં મનિલા ખાતે યોજાયેલી આસિયાન (ASEAN) મંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે પણ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે કડક શબ્દોમાં વાતચીત કરી હતી.
"સરહદી વિસ્તારોમાં સ્થિરતા અને શાંતિ જાળવવી એ બંને દેશો વચ્ચેના સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટેની 'પ્રાથમિક પૂર્વશરત' છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતાના ત્રણ પાયા પર જ આગળ વધી શકે છે."
— ડો. એસ. જયશંકર (કેન્દ્રીય વિદેશ મંત્રી)
જયશંકરે ચીન સામે વધતી જતી વેપાર ખાધ, ભારતીય ઉત્પાદનો માટે ચીની બજારમાં પ્રવેશના અવરોધો અને ગ્લોબલ સપ્લાય ચેઈનની અનિશ્ચિતતાઓ અંગે પણ ભારતની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. ઓક્ટોબર ૨૦૨૪ થી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે વિદેશ સચિવની આ મુલાકાતને એશિયાની બે સપરપાવર્સ વચ્ચેના સંબંધો સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
