News of Friday, 26th June 2026
ભારત-ભૂટાન વચ્ચે જ્ઞાન અને સેતુનો નવો અધ્યાય: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂટાનના શિક્ષણ મંત્રી વચ્ચે હાઈ-લેવલ બેઠક, AI અને ડિજિટલ શિક્ષણ પર મુકાયો વિશેષ ભાર!
ભવિષ્યની પેઢીઓને સક્ષમ બનાવવા બંને દેશો પરસ્પર સહયોગ વધારશે: શિક્ષકોની તાલીમ, કૌશલ્ય વિકાસ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ જેવા ક્ષેત્રોમાં સર્જાશે રોજગારીની નવી તકો

નવી દિલ્હી : ભારત અને તેના પરમ મિત્ર દેશ ભૂટાન વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધોને ૨૧મી સદીની જરૂરિયાતો અનુસાર વધુ મજબૂત કરવા માટે આજે નવી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ છે. ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ભૂટાનના શિક્ષણ મંત્રી યીઝાંગ દે થાપા (Yeezang De Thapa) સાથે એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને પાડોશી દેશો વચ્ચે શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવો લાવવા અંગે ગહન ચર્ચા થઈ હતી.
ટેકનોલોજી અને ભવિષ્યના શિક્ષણ પર વિશેષ મંથન
બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ મુલાકાતની વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે, આ ચર્ચાનો મુખ્ય એજન્ડા આધુનિક સમયના પડકારોને પહોંચી વળવા માટે શિક્ષણ વ્યવસ્થાને તૈયાર કરવાનો હતો. બંને નેતાઓએ ખાસ કરીને ડિજિટલ એજ્યુકેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ, શિક્ષકોની વૈશ્વિક સ્તરની તાલીમ, તેમજ યુવાનોમાં કૌશલ્ય (Skill Development) અને રોજગારક્ષમતા વધારવા જેવા અત્યંત સંવેદનશીલ અને પ્રગતિશીલ વિષયો પર વિસ્તૃત બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.
શિક્ષણ અને ક્ષમતા નિર્માણના નવા આયામો:
બંને દેશોના મંત્રીઓએ પરસ્પર સહયોગ માટે નીચેના મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ભાર મૂક્યો હતો:
· પર્યટન અને સુખાકારી: ટકાઉ પર્યટન (Sustainable Tourism) અને બંને દેશોના નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી (Holistic Well-being) ને પ્રોત્સાહન આપવું.
· પરંપરાગત ચિકિત્સા: ભારત અને ભૂટાનની સદીઓ જૂની પરંપરાગત દવાઓ અને આયુર્વેદિક જ્ઞાનના આદાન-પ્રદાનને વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવું.
· જ્ઞાનની ભાગીદારી: બંને દેશોની શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સંયુક્ત પ્લેટફોર્મ પૂરું પાડવું.
આધ્યાત્મિક બંધનો અને સહિયારી આકાંક્ષાઓનો સમન્વય
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ પ્રસંગે ભારત-ભૂટાન ભાગીદારીના ભવ્ય ઈતિહાસને યાદ કરતાં જણાવ્યું હતું કે, આપણી દોસ્તી માત્ર ભૌગોલિક સરહદો પૂરતી સીમિત નથી, પરંતુ તે ભવિષ્ય માટેની આપણી સહિયારી આકાંક્ષાઓ અને ઊંડા આધ્યાત્મિક બંધનોમાં વણાયેલી છે. શિક્ષણ, કૌશલ્ય વર્ધન અને જ્ઞાનની આ નવી ભાગીદારી દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં નવીનતા (Innovation) અને ક્ષમતા નિર્માણ (Capacity Building) નું એક મોટું અને અનુકરણીય પ્લેટફોર્મ પૂરું પાડશે તેવો અટલ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
