તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે નવો અધ્યાય : ૧૧ મેના રોજ પ્રથમ જ્યોતિર્લિંગના શિખર પર ૧૧ પવિત્ર તીર્થોના જળથી થશે ભવ્ય કુંભાભિષેક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહાપૂજા સાથે ૯૦ મીટર ઊંચી ક્રેન દ્વારા વિશાળ કુંભને શિખર સુધી પહોંચાડી કરાશે જળાભિષેક : દક્ષિણ ભારતની પરંપરા મુજબ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે અનન્ય ‘અમૃતપર્વ-૨૦૨૬’

પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" ઉત્સવ અંતર્ગત આ શિવભૂમિ પર ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો છે. આ ઐતિહાસિક પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર એક અનોખી ઘટના આકાર લેવા જઈ રહી છે. આગામી ૧૧મી મેના રોજ મંદિરના ગગનચુંબી શિખર પર દેશના ૧૧ પવિત્ર તીર્થોના જળ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કુંભાભિષેક કરવામાં આવશે.
૯૦ મીટરની ઊંચાઈએ મંત્રોચ્ચાર સાથે અભિષેક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી "સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬" ના અવસરે ૧૧મી મેના રોજ પ્રભાસક્ષેત્રમાં પધારશે. વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની પરંપરાગત મહાપૂજા કરશે, જે દરમિયાન મંદિરના શિખરના અભિષેકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ ભવ્ય વિધિ માટે ૯૦ મીટર ઊંચી ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે, જેની મદદથી ૧૧ તીર્થોના પવિત્ર જળથી ભરેલો વિશાળ કુંભ મંદિરના શિખર સુધી લઈ જવાશે. વિદ્વાન બ્રાહ્મણો પણ આ ક્રેન દ્વારા કુંભની સાથે ઊંચાઈ પર રહેશે અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે શિખર પર જળાભિષેક કરી મંદિરની આભામાં વૃદ્ધિ કરશે.
દક્ષિણ ભારતની પરંપરાનો સોમનાથમાં પ્રારંભ
તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે આ અનોખી વિધિ અંગે વિગતો આપતા જણાવ્યું કે, પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં આ પ્રકારનો શિખર કુંભાભિષેક પ્રથમવાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની પરંપરા દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે, જ્યાં દર ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરી શુદ્ધિકરણ કરવામાં આવે છે. સોમનાથમાં આ પરંપરાના પ્રારંભથી શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ અને આસ્થા જોવા મળી રહી છે.
સમગ્ર સોમનાથ ક્ષેત્રમાં ભક્તિમય માહોલ
અમૃતપર્વને લઈને સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમન અને આ ઐતિહાસિક કુંભાભિષેકને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. સોમનાથ મંદિરના ગર્ભગૃહની પૂજા સાથે શિખરનો આ જલાભિષેક રાષ્ટ્રના કલ્યાણ અને ભક્તિના પ્રતીક સમાન બની રહેશે. પ્રભાસક્ષેત્રમાં ચારેબાજુ શિવનામનો નાદ ગુંજી રહ્યો છે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તો આતુર છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
