<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

યુદ્ધનો નવો ખતરનાક મોરચો: રશિયા-યુક્રેન જંગમાં હવે 'એઝોવ સમુદ્ર' બન્યો નવું બેટલગ્રાઉન્ડ, યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયન જહાજો સળગ્યા!

વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર સંકટના વાદળો: રશિયાના અનાજ નિકાસના સૌથી મોટા ગઢ પર ત્રાટક્યા યુક્રેનિયન સી-ડ્રોન્સ; રશિયન વિદેશ પ્રધાન લાવરોવે આ હુમલાને 'શુદ્ધ આતંકવાદ' ગણાવ્યો.

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે એક નવો અને અત્યંત વ્યૂહાત્મક વળાંક આવ્યો છે. અત્યાર સુધી જમીની સરહદો પર લડાતી આ જંગ હવે સમુદ્રના મોજાંઓ પર સવાર થઈને વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહી છે. યુક્રેન દ્વારા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ ગણાતા 'એઝોવ સમુદ્ર' (Sea of Azov) માં રશિયન માલવાહક અને લોજિસ્ટિક્સ જહાજો પર દરિયાઈ ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવવામાં આવ્યા છે, જેના કારણે આ છીછરો આંતરિક સમુદ્ર હવે યુદ્ધનો નવો ધબકતો હોટસ્પોટ બની ગયો છે.

યુક્રેનના આ જોરદાર પલટવારથી રશિયા ધૂઆંપૂંઆ થઈ ગયું છે. રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવે આ હુમલાઓની આકરી શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું છે કે, યુક્રેનની આ હરકત "ચાંચિયાગીરીની સીમાઓ વટાવી ગઈ છે." તેમણે કિવ (યુક્રેન સરકાર) પર કોઈ પણ સૈન્ય લાભ વગર માત્ર આર્થિક નુકસાન પહોંચાડવા અને આતંક ફેલાવવા માટે સિવિલિયન જહાજોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, "આ બીજું કંઈ નહીં પણ શુદ્ધ અને સાદો આતંકવાદ છે." જોકે, યુક્રેને આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર એવા જ જહાજોને નિશાન બનાવી રહ્યા છે જે રશિયાની લશ્કરી તાકાત અને યુદ્ધ સામગ્રી વહન કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

યુક્રેનના ડ્રોન દળોના કમાન્ડર રોબર્ટ બ્રોવડીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી વિગતો અનુસાર, યુક્રેનિયન સૈન્યએ માત્ર નવ દિવસમાં જ રશિયાના ૧૧૬ જહાજો પર હુમલા કર્યા છે. તાજેતરમાં જ એક જ રાતમાં ૧૧ રશિયન જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ ઓઈલ ટેન્કર, પાંચ ડ્રાય કાર્ગો જહાજો અને એક ટગબોટનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ૧૩ અને ૧૪ જુલાઈ દરમિયાન અનાજ ભરેલા અનેક રશિયન જહાજો પર સી-ડ્રોન ત્રાટકતા જહાજો ભડભડ સળગી ઉઠ્યા હતા. એઝોવ સમુદ્ર કેર્ચ સ્ટ્રેટ દ્વારા સીધો કાળા સમુદ્ર સાથે જોડાય છે અને તે રશિયાની નિકાસના મુખ્ય કેન્દ્ર રોસ્ટોવ-ઓન-ડોન બંદર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ હોવાથી રશિયા માટે સપ્લાય લાઇન તૂટવાનું મોટું જોખમ ઊભું થયું છે.

આ હુમલાઓએ માત્ર રશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે, કારણ કે રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉં નિકાસકાર દેશ છે અને વૈશ્વિક ઘઉંના કુલ પુરવઠાનો પાંચમો ભાગ પૂરો પાડે છે. આફ્રિકા અને એશિયાના અનેક ગરીબ દેશો અનાજ માટે રશિયા પર નિર્ભર છે. જો આ વિસ્તારમાં શિપિંગ સંપૂર્ણપણે ઠપ થઈ જશે, તો વૈશ્વિક સ્તરે અનાજના ભાવો આસમાને પહોંચી શકે છે અને મોટો ખાદ્ય કટોકટીનો ભય ઊભો થશે. જોકે, રશિયાના અનાજ નિકાસકારોના સંગઠને દાવો કર્યો છે કે તેઓ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને અનાજ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરશે.

(8:54 PM IST)