<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ગ્લોબલ ઇનોવેશનનો નવો સૂર્યોદય: ભારત અને નોર્ડિક દેશો વચ્ચે શરૂ થશે સંબંધોનો 'સુવર્ણ યુગ'; ગ્રીન ટેકનોલોજી માટે પીએમ મોદીનો માસ્ટરપ્લાન!

ઓસ્લોમાં યોજાયેલી ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં પીએમ મોદીની મોટી જાહેરાત; પાંચ શક્તિશાળી દેશોની અદ્યતન ટેકનોલોજી અને ભારતની પ્રતિભા મળીને વૈશ્વિક પડકારોનો લાવશે કાયમી ઉકેલ

ઓસ્લો : વૈશ્વિક મંચ પર ભારતની કૂટનીતિક અને આર્થિક તાકાતમાં વધુ એક મોટો ઉમેરો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે આયોજિત ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લીધા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ભારત અને નોર્ડિક દેશોએ પોતાના પરંપરાગત સંબંધોને હવે એક નવું શક્તિશાળી સ્વરૂપ આપતાં 'ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી' શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના વડા પ્રધાનોની હાજરીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ આ જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ભારતની વધતી વૈશ્વિક ભાગીદારીનો પરિચય કરાવ્યો હતો.

પીએમ મોદીએ આ અનોખી ભાગીદારીના વિઝનને સ્પષ્ટ કરતા કહ્યું કે, આ જોડાણથી સમગ્ર વિશ્વના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવો માર્ગ ખુલશે. આ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ આઇસલેન્ડની ભૂ-ઉષ્મીય (Geothermal) અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની અદભુત કુશળતા, નોર્વેની વાદળી અર્થવ્યવસ્થા (Blue Economy) અને આર્કટિક ક્ષેત્રનો અનુભવ, સ્વીડનનું અદ્યતન ઉત્પાદન (Advanced Manufacturing) અને સંરક્ષણ ક્ષેત્ર, ફિનલેન્ડની ટેલિકોમ અને ડિજિટલ ક્રાંતિ તેમજ ડેનમાર્કની સાયબર સુરક્ષા અને હેલ્થ-ટેકનોલોજીને ભારતની અજોડ યુવા પ્રતિભા અને ક્ષમતા સાથે જોડવામાં આવશે. આ સમન્વયથી માત્ર ભારત કે નોર્ડિક દેશો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે વિશ્વસનીય અને સસ્તા ટેકનોલોજીકલ ઉકેલો વિકસાવવામાં આવશે.

આઠ વર્ષ પહેલાં વાવેલું બીજ હવે વટવૃક્ષ બન્યું: વેપારમાં ૪ ગણો વધારો

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે નોર્ડિક દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા અને ગતિ આપવા માટે તેમણે જ આઠ વર્ષ પહેલાં આ ખાસ ફોર્મેટ (ભારત-નોર્ડિક સમિટ) ની રચના કરી હતી. તેના પરિણામો આજે આપણી સામે છે. છેલ્લા દસ વર્ષના ગાળામાં ભારત અને નોર્ડિક દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ ચાર ગણો વધી ગયો છે. આ ઉપરાંત, નોર્ડિક દેશોનું ઇન્વેસ્ટમેન્ટ ફંડ ભારતના આધુનિક અને ઝડપી વિકાસમાં એક મહત્વપૂર્ણ હિસ્સેદાર સાબિત થઈ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં નોર્ડિક દેશો તરફથી ભારતમાં થતા રોકાણમાં આશરે ૨૦0 ટકાનો મજબૂત ઉછાળો નોંધાયો છે, જે ભારતીય બજાર પ્રત્યે વૈશ્વિક વિશ્વાસ દર્શાવે છે.

રોજગારી અને આર્થિક વિકાસની નવી ક્ષિતિજો

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે માત્ર ભારતની વિકાસગાથાને જ મજબૂત નથી બનાવી, પરંતુ નોર્ડિક દેશોની અર્થવ્યવસ્થાને પણ નવી ઊંચાઈ આપી છે. આ ભાગીદારીના કારણે બંને પ્રદેશોમાં હજારો નવી હાઈ-ટેક નોકરીઓનું સર્જન થયું છે.

આ સંબંધોને આગામી સર્વોચ્ચ સ્તરે લઈ જવા માટે તાજેતરમાં લેવાયેલા ઐતિહાસિક આર્થિક નિર્ણયોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, ઓક્ટોબર ૨૦૨૫ થી ભારત અને નોર્વે-આઇસલેન્ડ સહિતના EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) રાષ્ટ્રો વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર સફળતાપૂર્વક અમલમાં આવી ચૂક્યો છે. આ સાથે જ, થોડા મહિના પહેલાં ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન પણ સક્રિય ભાગીદાર છે. આ મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરારો અમલી બનતાની સાથે જ ભારત અને નોર્ડિક દેશોના સંબંધોમાં વેપાર, ઉદ્યોગ અને ટેકનોલોજીના એક નવા 'સુવર્ણ યુગ' નો પ્રારંભ થઈ ચૂક્યો છે.

(9:09 PM IST)