તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ખાડી દેશોમાં પરિવહન ક્રાંતિનો નવો સૂર્યોદય: આગામી ૩૦ જૂનથી UAEમાં દોડશે પ્રથમ હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રેન; ટિકિટ બુકિંગ પણ શરૂ!
અબુ ધાબીથી ફુજૈરાહ વચ્ચે શરૂ થશે પ્રથમ તબક્કાનું આઈકોનિક ઓપરેશન; ૪૦૦ મુસાફરોની ક્ષમતાવાળી ૧૩ ટ્રેનોનો કાફલો અમીરાતના ખૂણે-ખૂણાને જોડશે, દુબઈ સ્ટેશન સપ્ટેમ્બરમાં ખુલશે

અબુ ધાબી : સંયુક્ત આરબ અમીરાત (UAE) હવે માત્ર ગગનચુંબી ઈમારતો અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જ નહીં, પરંતુ અત્યાધુનિક રેલ્વે નેટવર્ક માટે પણ વૈશ્વિક મંચ પર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. યુએઈ આગામી ૩૦ જૂનના રોજ દેશની સૌપ્રથમ હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. આ મહત્વાકાંક્ષી રેલ્વે પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ટ્રેન સેવા શરૂઆતમાં રાજધાની અબુ ધાબી અને ફુજૈરાહ (Fujairah) ને એકબીજા સાથે જોડશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા ભવ્ય સેન્ટ્રલ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયા બાદ મંગળવારે યુએઈની સત્તાવાર ન્યૂઝ એજન્સી ‘WAM’ દ્વારા આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ મંગળવારથી જ ટ્રેનની ટિકિટોનું એડવાન્સ બુકિંગ પણ ઓનલાઈન શરૂ કરી દેવાયું છે.
આ ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતમાં દેશના સાત અમીરાતમાંથી ચાર અમીરાતને રેલ લાઈનથી સાંકળી લેવામાં આવશે. અબુ ધાબી અને ફુજૈરાહ વચ્ચે મુસાફરી કરવા માટે સ્ટાન્ડર્ડ ક્લાસની ટિકિટનો ભાવ ૫૫ દિરહામ (આશરે $૧૫) અને પ્રીમિયમ ક્લાસ માટે ૧૨૦ દિરહામ (આશરે $૩૨) નક્કી કરવામાં આવ્યો છે. આ નેટવર્કનો સૌથી મોટો હબ ગણાતું દુબઈ સ્ટેશન આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ મુસાફરો માટે ખુલ્લું મુકાશે, જ્યારે પડોશી અમીરાત શારજાહ (Sharjah) નું મુખ્ય રેલ્વે સ્ટેશન ૩૦ માર્ચ, ૨૦૨૭ ના રોજ કાર્યરત થશે. ત્યારપછીના તબક્કામાં બાકીના અમીરાત સુધી ટ્રેન લંબાવવા માટે સત્તાવાળાઓ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી (શક્યતા અભ્યાસ) હાથ ધરવામાં આવશે.
ટકાઉ વિકાસ અને પર્યટનને મળશે અદભુત વેગ
અબુ ધાબી સ્ટેશનનું લોકાર્પણ કરતા શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદે જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ અમીરાત વચ્ચે આંતરિક કનેક્ટિવિટી વધારવા, લોકો અને માલસામાનની ઝડપી હિલચાલ દ્વારા ટકાઉ આર્થિક વિકાસને ટેકો આપવા માટેના યુએઈના વિઝનને પ્રતિબિંબિત કરે છે. તે વૈશ્વિક રોકાણકારો, પર્યટન અને શહેરી વિકાસ માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે." આ પ્રોજેક્ટના કાફલામાં હાલમાં ૧૩ અત્યાધુનિક સુપરફાસ્ટ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી પ્રત્યેક ટ્રેન ૪૦૦ મુસાફરોને એકસાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
ગલ્ફ દેશોમાં બુલેટ ટ્રેન નેટવર્કનો રોડમેપ
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ માં દુબઈ અને અબુ ધાબી વચ્ચે અલ્ટ્રા-મોડર્ન ‘હાઇપરલૂપ’ (Hyperloop) બનાવવાની યોજના અટકી પડ્યા બાદ આ ટ્રેડિશનલ રેલ્વે પ્રોજેક્ટ પર યુદ્ધના ધોરણે કામ શરૂ કરાયું હતું. ભવિષ્યમાં તમામ છ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોને એક જ રેલ નેટવર્કથી જોડવાનું સપનું છે. આ કડીમાં ગત ડિસેમ્બરમાં સાઉદી અરેબિયા અને કતાર વચ્ચે ખાડી દેશોની રાજધાનીઓને જોડતી હાઇ-સ્પીડ રેલ બનાવવા માટે ઐતિહાસિક સમજૂતી થઈ હતી. આ ઉપરાંત, ઓમાનના સોહર બંદરને અબુ ધાબી સાથે જોડતો $૩ બિલિયનનો રેલ્વે પ્રોજેક્ટ પણ હાલમાં ૪૦ ટકા જેટલો પૂર્ણ થઈ ગયો છે, જે આગામી સમયમાં સમગ્ર મિડલ ઈસ્ટનો ચહેરો બદલી નાખશે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
