<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

એપલમાં ૧૫ વર્ષ પછી નવા યુગની શરૂઆત: ૨૫ વર્ષની વફાદારી બાદ જોન ટર્નસ બન્યા CEO, મળ્યું ₹૪૯૦ કરોડથી વધુનું જંગી પેકેજ

ટિમ કૂકના સ્થાને એપલના આ સિંહાસન પર બિરાજમાન થયા ૫૮ મિલિયન ડોલરના બોસ; ૨૦૦૧ માં માત્ર એક સામાન્ય પ્રોડક્ટ ડિઝાઇનર તરીકે કરી હતી કારકિર્દીની શરૂઆત

કેલિફોર્નિયા, તા.૦૨: ટેક જગતની સૌથી દિગ્ગજ અને વિશ્વપ્રસિદ્ધ કંપની એપલ (Apple) ના નેતૃત્વમાં લગભગ ૧૫ વર્ષ બાદ એક ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ૧ સપ્ટેમ્બરથી જોન ટર્નસ (John Ternus) કંપનીના નવા મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકેની ભૂમિકા સંભાળી રહ્યા છે. ટિમ કૂકની સફળ ઇનિંગ્સ બાદ જોન ટર્નસની આ નિમણૂકથી વૈશ્વિક ટેક ઈન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

જોન ટર્નસ છેલ્લા ૨૫ વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. તેમણે વર્ષ ૨૦૦૧ માં એપલની પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં એક સામાન્ય એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમની અદ્ભુત ક્ષમતા અને કઠિન પરિશ્રમને કારણે ૨૦૧૩ માં તેઓ હાર્ડવેર એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ અને ૨૦૨૧ માં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતા. હવે ૨૫ વર્ષ બાદ કંપનીએ તેમને CEO બનાવીને તેમની વફાદારીનો મોટો પુરસ્કાર આપ્યો છે.

કરોડોનું વાર્ષિક પગાર પેકેજ અને સ્ટોક એવોર્ડ્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન ટર્નસને એપલ તરફથી $૫૮ મિલિયન (આશરે ₹૪૯૦ કરોડથી વધુ) નું જંગી વાર્ષિક પેકેજ આપવામાં આવ્યું છે. જેમાં:


•    મૂળ વાર્ષિક પગાર (Base Salary): $૩ મિલિયન (આશરે ₹૨૮.૫ કરોડ)

•    સ્ટોક એવોર્ડ્સ (Stock Awards): $૫૫ મિલિયન (આશરે ₹૫૨૨ કરોડ)

•    બોનસ ગ્રાન્ટ (Bonus Grant): $૨.૫ મિલિયનની એક વખતની વિશેષ RSU ગ્રાન્ટ

સરખામણી કરવામાં આવે તો ટિમ કૂકે ગત વર્ષે CEO તરીકે $૭૪.૩ મિલિયનની કમાણી કરી હતી. જોન ટર્નસનું આ મસમોટું વળતર દર્શાવે છે કે એપલ પોતાના નવા નેતૃત્વ પર કેટલો દ્રઢ ભરોસો મૂકી રહી છે.

(4:03 PM IST)