તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ડિજિટલ ક્રાંતિનો નવો ઈતિહાસ : વૈશ્વિક સ્તરે મોબાઈલ મની ટ્રાન્ઝેક્શન પ્રથમ વખત 2 ટ્રિલિયન ડોલરને પાર
વર્ષ 2025માં 2.1 ટ્રિલિયન ડોલરના વ્યવહારો સાથે મોબાઈલ વોલેટ હવે બચત, વીમા અને બેન્કિંગ ક્ષેત્રે પણ અગ્રેસર : મર્ચન્ટ પેમેન્ટમાં 42 ટકાનો તોતિંગ ઉછાળો

નવી દિલ્હી:વૈશ્વિક સ્તરે નાણાકીય લેવડદેવડમાં મોબાઈલ મનીનો દબદબો અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે. GSMA ના 'સ્ટેટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ ઓન મોબાઈલ મની 2026' મુજબ, વર્ષ 2025 માં વૈશ્વિક મોબાઈલ મની ટ્રાન્ઝેક્શન 2.1 ટ્રિલિયન ડોલરના આંકડાને વટાવી ગયા છે. આ અહેવાલ દર્શાવે છે કે ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ હવે માત્ર બે વ્યક્તિઓ વચ્ચેના ટ્રાન્સફર પૂરતો મર્યાદિત ન રહેતા, વેપારી ચૂકવણી (મર્ચન્ટ પેમેન્ટ), બચત અને વીમા જેવા ક્ષેત્રોમાં પણ ઝડપથી વિસ્તરી રહ્યો છે.
ચાર વર્ષમાં વ્યવહારોનું મૂલ્ય બમણું થયું
રિપોર્ટના આંકડા અનુસાર, મોબાઈલ મની ઉદ્યોગને પ્રથમ 1 ટ્રિલિયન ડોલરના આંક સુધી પહોંચવામાં બે દાયકાનો સમય લાગ્યો હતો, પરંતુ ત્યારબાદ માત્ર ચાર વર્ષમાં આ મૂલ્ય બમણું થઈ ગયું છે. વર્ષ 2025માં સક્રિય ખાતાધારકોની સંખ્યામાં 15 ટકાનો વધારો થતા તે 593 મિલિયન પર પહોંચી છે. આ સાથે જ વિશ્વભરમાં કુલ રજિસ્ટર્ડ મોબાઈલ મની એકાઉન્ટ્સની સંખ્યા 2.3 અબજ જેટલી નોંધાઈ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે.
રોજિંદા પેમેન્ટમાં મોબાઈલ વોલેટનો વધતો ઉપયોગ
ડિજિટલ અર્થતંત્રમાં એક મહત્વનો બદલાવ જોવા મળ્યો છે કે હવે લોકો રોજિંદી ખરીદી માટે મોબાઈલ મનીનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. મર્ચન્ટ પેમેન્ટનો વપરાશ 42 ટકા વધીને 155 અબજ ડોલર થયો છે. આ સાથે જ મોબાઈલ વોલેટ અને પરંપરાગત બેન્કિંગ સિસ્ટમ વચ્ચેનું જોડાણ પણ મજબૂત થયું છે. બેંક-ટુ-મોબાઈલ ટ્રાન્સફર 167 અબજ ડોલર અને મોબાઈલ-ટુ-બેંક ટ્રાન્સફર 163 અબજ ડોલર સુધી પહોંચ્યા છે, જે રોકડ પરની નિર્ભરતામાં મોટો ઘટાડો સૂચવે છે.
બચત અને વીમા સેવાઓમાં ઝડપી પ્રગતિ
માત્ર પેમેન્ટ જ નહીં, પરંતુ નાણાકીય સ્વાસ્થ્યને લગતી સેવાઓ જેવી કે બચત અને વીમા ક્ષેત્રે પણ 2025માં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. સેવા પૂરી પાડતી કંપનીઓ માટે પણ આ વર્ષ નફાકારક રહ્યું છે, જેમાં સર્વે કરાયેલા 80 ટકા પ્રોવાઈડર્સે નફો નોંધાવ્યો છે. જોકે, રિપોર્ટમાં કેટલીક મર્યાદાઓ પણ દર્શાવવામાં આવી છે, જેમાં સ્ત્રી-પુરુષો વચ્ચે ખાતાધારકની સંખ્યામાં રહેલો મોટો તફાવત, વધતા જતાં ફ્રોડના જોખમો અને નિયમનકારી પડકારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં નાણાકીય સમાવેશ માટે મોબાઈલ મની એક નિર્ણાયક સાધન સાબિત થઈ રહ્યું છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
