News of Sunday, 24th May 2026
શ્રદ્ધાના ઘોડાપૂર વચ્ચે ચારધામ યાત્રામાં નવો ઇતિહાસ રચાયો: શનિવારે એક લાખથી વધુ ભક્તોની એન્ટ્રી થતાં વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પહેલા તમામ સુવિધાઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ
કેદારનાથ મંદિર પરિસરમાં ખીચડી રાંધવા બાબતે પૂજારી અને મહારાષ્ટ્રના યાત્રાળુઓ વચ્ચે ઉગ્ર ઝઘડો: મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ આખરે મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું

દેહરાદૂન: ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ ચારધામ મંદિરોમાં આ વર્ષે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ અને રેકોર્ડબ્રેક ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોની આ ભારે ભીડને મેનેજ કરવા માટે હવે સરકાર દ્વારા મંદિરોમાં રાત્રિ દર્શનની વિશેષ વ્યવસ્થા શરૂ કરવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય સચિવ આનંદ વર્ધને શનિવારે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ મહત્વની જાહેરાત કરી હતી. આ વર્ષે ૧૯ એપ્રિલથી યાત્રા શરૂ થયા બાદ શનિવારે ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં ભક્તોની સંખ્યા એક લાખનો આંકડો વટાવી ગઈ છે, જેના કારણે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
આઈટી પાર્કના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવે ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ હોલ્ડિંગ વિસ્તારોમાં ભક્તો માટે મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, આશ્રય અને તબીબી સહાય ઉપલબ્ધ કરાવવાના કડક નિર્દેશ આપ્યા છે. કટોકટીની સ્થિતિમાં કોઈપણ શ્રદ્ધાળુને તાત્કાલિક એરલિફ્ટ કરવા માટે યુકેએડીએ (UKADA) ને હેલિકોપ્ટર અને અન્ય વ્યવસ્થાઓ સજ્જ રાખવા જણાવાયું છે. ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, નાના બાળકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને હાલ પૂરતી આ કપરી યાત્રા ન કરવા અથવા સ્વાસ્થ્ય સુધરે ત્યાં સુધી દૂર રહેવા માટે સતત પ્રચાર અને સ્ક્રીનીંગ કરવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, આ પવિત્ર યાત્રા દરમિયાન કેદારનાથ મંદિર પરિસરમાંથી એક વિવાદ પણ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા ૧૩ યાત્રાળુઓના એક જૂથે મંદિરના શિષ્ટાચાર વિરુદ્ધ જઈને પરિસરમાં જ ખીચડી બનાવવાનું શરૂ કર્યું હતું. આ બાબતે સ્થાનિક પૂજારી રોશન ત્રિવેદીએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં મામલો બિચક્યો હતો અને યાત્રાળુઓએ પૂજારી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા અન્ય પૂજારીઓ પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જો કે, ઇન્સ્પેક્ટર કુલદીપ પંત અને કેદાર સભાના પ્રમુખની મધ્યસ્થતા બાદ મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે પરસ્પર સુખદ સમાધાન થઈ ગયું હતું.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
