હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની દીવાલો પર વિવાદાસ્પદ સૂત્રલેખનને લઈને નવો રાજકીય અને શૈક્ષણિક વિવાદ: કાશ્મીરની આઝાદી અને શરજીલ ઇમામના સમર્થનમાં નારેબાજી થતાં મચી ખળભળાટ
યુનિવર્સિટી પરિસરમાં આરએસએસ, એબીવીપી અને વાઈસ-ચાન્સેલરને નિશાન બનાવીને લખાયેલા સૂત્રો સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે નોંધાવ્યો ઉગ્ર વિરોધ; વહીવટી તંત્ર મૌન.

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પ્રસિદ્ધ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. યુનિવર્સિટી પરિસરમાં આવેલી વિવિધ દીવાલો પર અજાણ્યા શખ્સો દ્વારા કાશ્મીરની આઝાદી અને ૨૦૨૦ના દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઇમામના સમર્થનમાં 'આઝાદી' ના સૂત્રો લખવામાં આવ્યા છે. આટલું જ નહીં, દીવાલો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) તેમજ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરને સીધા નિશાન બનાવતા વાંધાજનક સૂત્રો પણ લખાયેલા જોવા મળ્યા છે, જેના કારણે શૈક્ષણિક જગતમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ ઘટના સામે આવ્યાની સાથે જ વિદ્યાર્થી સંગઠનો આક્રમક મૂડમાં આવી ગયા છે. એબીવીપી (ABVP) દ્વારા આ સૂત્રલેખન સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટી પરિસરમાં આ પ્રકારે દેશવિરોધી કે વિવાદાસ્પદ નારાઓ લખનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ ગંભીર મામલે હજુ સુધી યુનિવર્સિટી વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે શરજીલ ઇમામ ફેબ્રુઆરી ૨૦૨૦ માં દિલ્હીમાં થયેલા ભીષણ રમખાણોના મુખ્ય કાવતરાખોરોમાં સામેલ હોવાના આરોપસર યુએપીએ (UAPA) હેઠળ જેલમાં બંધ છે. સીએએ (CAA) અને એનઆરસી (NRC) વિરુદ્ધના વિરોધ પ્રદર્શનો દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી આ હિંસામાં ૫૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. સરકારી પક્ષના આરોપ મુજબ, ડિસેમ્બર ૨૦૧૯ માં જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આપેલા વિવાદાસ્પદ ભાષણોમાં શરજીલ ઇમામે આસામ તથા ઉત્તર-પૂર્વના રાજ્યોને ભારતથી અલગ કરવાની ધમકી આપી હતી, જેના પગલે ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ તેને પરિવારના પ્રસંગ માટે વચગાળાના જામીન મળ્યા હતા.
શૈક્ષણિક સંકુલની દીવાલો પર આ પ્રકારે કટ્ટરવાદી અને વિવાદાસ્પદ વિચારોને રંગી દેવાની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને કેમ્પસની આંતરિક સ્થિતિ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. સુરક્ષા એજન્સીઓ અને યુનિવર્સિટી તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
