તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
AI યુગમાં નવો વળાંક: AI જ્યારે સેકન્ડોમાં લેખ લખી શકે છે: ત્યારે આ કંપની કેમ એક લેખકને આપી રહી છે ₹3.25 કરોડનો પગાર?
એકતરફ સામાન્ય લેખકોની નોકરીઓ પર એઆઈ જોખમ મંડરાઈ રહ્યું છે, ત્યારે બીજીતરફ એન્થ્રોપિક અને ઓપનએઆઈ જેવી અગ્રણી AI કંપનીઓ અનુભવી કોમ્યુનિકેશન એક્સપર્ટ્સ અને કન્ટેન્ટ સ્ટ્રેટેજિસ્ટ્સ પર કરોડો રૂપિયાનો વરસાદ કરી રહી છે

નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ માત્ર એક ક્લિકમાં ઈમેઈલથી લઈને આખા આર્ટિકલ સેકન્ડોમાં ડ્રાફ્ટ કરી દે છે, ત્યાં AI ક્ષેત્રની દિગ્ગજ કંપની એન્થ્રોપિકની એક ખાસ જોબ ઓપનિંગે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. કંપની એક લેખકની નોકરી માટે વાર્ષિક $295,000 થી $345,000 (આશરે ₹2.5 કરોડથી ₹3.25 કરોડ) નો ધરખમ પગાર ઓફર કરી રહી છે. એકતરફ જ્યાં AI ના કારણે અનેક સામાન્ય કન્ટેન્ટ રાઈટર્સ અને ફ્રીલાન્સર્સ પોતાનું કામ ગુમાવી રહ્યા છે, ત્યાં AI ના નિર્માતાઓ દ્વારા રાઈટિંગ અને કોમ્યુનિકેશનના રોલ માટે આટલું મોટું પેકેજ આપવું એ ટેક જગત અને ફ્રીલાન્સિંગ ઈન્ડસ્ટ્રીમાં ભારે કૌતુક અને ચર્ચાનો વિષય બન્યો છે.
જોકે, આ લાખો-કરોડો રૂપિયાની ઓફર કોઈ સામાન્ય બ્લોગ પોસ્ટ કે આર્ટિકલ રાઈટિંગ માટે નથી, પરંતુ એક્ઝિક્યુટિવ લેવલના વ્યૂહાત્મક સંચાર માટે છે. કંપનીમાં પસંદગી પામનાર વ્યક્તિએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહીને કંપનીના જટિલ મુદ્દાઓને સરળ, પ્રભાવશાળી અને સચોટ ભાષામાં જાહેર જનતા સુધી પહોંચાડવાના રહેશે. આ માટે ઓછામાં ઓછો ૮ વર્ષનો વરિષ્ઠ અનુભવ, નિર્ણય લેવાની ક્ષમતા અને ગંભીર પરિસ્થિતિમાં યોગ્ય મેસેજિંગ કરવાની કુશળતા હોવી જરૂરી છે. માત્ર એન્થ્રોપિક જ નહીં, પરંતુ OpenAI પણ પોતાના બ્રાન્ડ મેસેજિંગ અને કન્ટેન્ટ સ્ટ્રેટેજી માટે $400,000 (આશરે ₹3.3 કરોડથી વધુ) ના વાર્ષિક પગારની ઓફર આપી ચૂકી છે, જે સાબિત કરે છે કે માનવીય ક્ષમતા અને વ્યૂહાત્મક વિચારસરણીનું સ્થાન હજુ સુધી મશીન લઈ શક્યું નથી.
જોકે, આ સ્થિતિ સિક્કાની બીજી બાજુ પણ દર્શાવે છે, જ્યાં સામાન્ય કન્ટેન્ટ રાઈટિંગ અને ડિસ્ક્રિપ્શન લખતા એન્ટ્રી-લેવલ ફ્રીલાન્સર્સને હવે ક્લાયન્ટ્સ મળવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તેવું કામ AI ખુબ જ ઝડપથી અને સસ્તામાં કરી આપે છે. પરંતુ આ બદલાતા સમયમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે AI એ માત્ર શબ્દો ગોઠવવાનું કામ સરળ બનાવ્યું છે, વિચારવાનું અને વ્યૂહાત્મક નિર્ણય લેવાનું કામ નહીં. અનુભવી લેખકો જેઓ માનવ સંવેદના, માર્કેટ ટ્રેન્ડ્સ અને જટિલ વ્યૂહરચનાઓ સમજી શકે છે, તેમની માંગ અને કિંમત AI યુગમાં ઘટી નથી પરંતુ અનેક ગણી વધી ગઈ છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
