તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
દિલ્હીમાં ઇનોવેશનનો નવો અરૂણોદય: 'ગો-દિલ્હી ફાઉન્ડેશન'ને કેબિનેટની લીલી ઝંડી : સ્ટાર્ટઅપ્સ માટે ₹50 કરોડના ભંડોળની જાહેરાત
યુવાનો અને સંશોધકોના વિચારોને બિઝનેસમાં બદલવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: MSMEs, ટેકનોલોજી અને ગવર્નન્સ માટે એક છત નીચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું હબ-એન્ડ-સ્પોક મોડેલ આકાર પામશે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાની એક નવી લહેર લાવવા માટે દિલ્હી કેબિનેટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મહત્વની કેબિનેટ બેઠકમાં 'ગો-દિલ્હી ફાઉન્ડેશન'ની સ્થાપનાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પહેલ માટે દિલ્હી સરકારે ₹50 કરોડના પ્રારંભિક બજેટની મંજૂરી આપી છે. હાલમાં દિલ્હીમાં DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત આશરે 21,000 સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો, સંશોધકો અને ઉદ્યોગસાહસિકોના ક્રાંતિકારી વિચારોને માત્ર કાગળ પર રાખવાને બદલે સફળ વ્યવસાયિક ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાહસોમાં રૂપાંતરિત કરવા માટે એક સર્વગ્રાહી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
ગો-દિલ્હી ફાઉન્ડેશન એક સિંગલ-વિંડો સોલ્યુશન તરીકે કાર્ય કરશે, જેનાથી ઉદ્યોગસાહસિકોને અલગ-અલગ સુવિધાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. ફાઉન્ડેશન દ્વારા પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ, પ્રોટોટાઇપ મેન્યુફેક્ચરિંગ, લેબોરેટરીઝ, ટેસ્ટિંગ ફેસિલિટી અને બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) માટે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, નવા સાહસોને વેન્ચર કેપિટલિસ્ટ્સ અને રોકાણકારો સાથે જોડવા માટે કનેક્ટિવિટી તેમજ માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવશે. હબ-એન્ડ-સ્પોક મોડેલ પર આધારિત આ માળખું કંપની અધિનિયમ, 2013 ની કલમ 8 હેઠળ બિન-લાભકારી કંપની તરીકે ઉદ્યોગ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે.
આ યોજનાનું સૌથી આકર્ષક પાસું એ છે કે દિલ્હી સરકારના વિવિધ વિભાગો પોતાની વાસ્તવિક સમસ્યાઓ અને પડકારોને સ્ટાર્ટઅપ્સ સમક્ષ રજૂ કરી શકશે. આ સમસ્યાઓના નિવારણ માટે ઇનોવેટર્સ દ્વારા તૈયાર કરાયેલી ટેકનોલોજી અને ઉત્પાદનોનું પાયલોટ ધોરણે સરકારી સ્તરે પરીક્ષણ કરવામાં આવશે અને સફળ ઉકેલોને વ્યાપક ધોરણે અપનાવવામાં આવશે. આ વ્યવસ્થાથી જ્યાં એક તરફ સરકારને અત્યાધુનિક ટેકનોલોજીકલ સોલ્યુશન્સ મળશે, તો બીજી તરફ નવા સાહસોને વાસ્તવિક દુનિયામાં પોતાના ઉત્પાદનો ચકાસવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે. દિલ્હી સરકારને આશા છે કે આ દૂરંદેશી પગલાથી રાજધાનીમાં કરોડો રૂપિયાનું રોકાણ આકર્ષાશે અને હજારો નવી રોજગારીની તકો ઊભી થશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
