તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
મોરેશિયસમાં ૬.૪ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રૂજી: લોકોમાં ભારે ગભરાટ ફેલાતા ઘરોની બહાર દોટ, સુનામીનો કોઈ ખતરો નહીં
હિંદ મહાસાગરમાં રોડ્રિગ્સ ટાપુથી ઉત્તર-પૂર્વમાં ૪૧૨ કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ; આફ્ટરશોક્સની શક્યતા વચ્ચે હાલ જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નહીં.

પોર્ટ લુઇસ : પૂર્વ આફ્રિકાના ટાપુ દેશ મોરેશિયસમાં મંગળવારે રિક્ટર સ્કેલ પર ૬.૪ની તીવ્રતા ધરાવતો તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો તેમજ લોકો સુરક્ષિત સ્થળોની શોધમાં ઘરોની બહાર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હિંદ મહાસાગરમાં રોડ્રિગ્સ ટાપુના ઉત્તર-પૂર્વમાં આશરે ૪૧૨ કિલોમીટર દૂર તેમજ પોર્ટ લુઇસથી પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં દરિયાઈ વિસ્તારમાં નોંધાયું હતું, જોકે રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે કોઈ મોટા માળખાકીય નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવાયું છે કે તીવ્ર આંચકા છતાં મોરેશિયસ માટે વિનાશક સુનામીનો કોઈ તાત્કાલિક ખતરો નથી તેમજ સત્તાવાળાઓ દ્વારા સુનામી અંગે કોઈ સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મુખ્ય આંચકા બાદ આફ્ટરશોક આવવાની શક્યતાને પગલે સ્થાનિક નાગરિકોમાં સાવચેતી તેમજ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલમાં હિંદ મહાસાગરના દક્ષિણ-પૂર્વ ભારતીય રિજ તેમજ રોડ્રિગ્સ ટ્રિપલ જંકશનની આસપાસના વિસ્તારોમાં ભૂસ્તરીય હલચલ તેમજ ભૂકંપની ગતિવિધિઓ વારંવાર નોંધાઈ રહી છે, જેના પર આંતરરાષ્ટ્રીય હવામાન તેમજ ભૂકંપ વિજ્ઞાન સંસ્થાઓ સતત નજર રાખી રહી છે.
ભૂતકાળમાં પણ હિંદ મહાસાગરની ટેક્ટોનિક પ્લેટોની ગતિવિધિઓને કારણે ટાપુ દેશો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી તીવ્ર કક્ષાના ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહ્યા છે, જેના પગલે આપત્તિ વ્યવસ્થાપન તંત્રને સતત સતર્ક રાખવામાં આવે છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
