<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ: નવી મુંબઈમાં ઓટો રિક્ષાચાલકે રૂ. ૫ લાખથી વધુ રોકડ ભરેલી બેગ ૭૦ વર્ષીય વૃદ્ધને સુરક્ષિત પરત કરી!

વાશી પોલીસ સ્ટેશને રિક્ષાચાલક અમોલ સાવંતની ઈમાનદારી બિરદાવી; ભૂલી ગયેલા મુસાફરને થોડા જ કલાકોમાં પોતાનો સામાન પરત મળ્યો

નવી મુંબઈ, તા.૨૫: આજના સમયમાં પણ માનવતા અને ઈમાનદારી જીવંત છે તેનો જીવંત પુરાવો નવી મુંબઈમાં જોવા મળ્યો છે. પનવેલના રહેવાસી ૩૮ વર્ષીય રિક્ષાચાલક અમોલ અશોક સાવંતની ત્વરિત સૂઝબૂઝ અને પ્રામાણિકતાના કારણે એક ૭૦ વર્ષીય વૃદ્ધ મુસાફરને તેમની રોકડ રકમ ભરેલી બેગ માત્ર થોડા જ કલાકોમાં સુરક્ષિત રીતે પાછી મળી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, રિક્ષાચાલક અમોલ સાવંત પોતાની ઓટો રિક્ષા (MH 43 BF 5535) લઈને કોપરખૈરણે સેક્ટર ૧૨ ની 'ફોર્મ સોસાયટી' પાસેથી પસાર થઈ રહ્યા હતા. સવારે ૧૧:૧૫ વાગ્યે એક વૃદ્ધ મુસાફર રિક્ષામાં બેઠા અને APMC મસાલા માર્કેટ જવા માટે કહ્યું હતું. મુસાફર ભાડું ચૂકવીને ઉતરી ગયા બાદ સાવંત ભાડું આગળ ધપાવતા વાશી બસ ડેપો પહોંચ્યા હતા. વાહન સાફ કરતી વખતે તેમની નજર પાછળની સીટ પાસે પડેલી એક લાલ રંગની બેગ પર પડી. બેગ ખોલીને જોતાં જ તેમાં રોકડ રકમના બંડલો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વાશી પોલીસે ઈમાનદારીને બિરદાવી

આટલી મોટી રકમ જોઈને પણ લાલચમાં આવ્યા વિના, સાવંતે તુરંત જ તેમના સાથીદાર શિવાજી ગવહાણેને સાથે લીધા અને સીધા વાશી પોલીસ સ્ટેશને પહોંચીને ફરજ પરના અધિકારીઓને બેગ સોંપી દીધી હતી. બીજી તરફ, બેગ ભૂલી ગયેલા વૃદ્ધ મુસાફર માધવજી લાલજી ભાનુશાલી (ઉં.વ. ૭૦, રહે. કોપરખૈરણે) પણ ગભરાયેલી હાલતમાં વાશી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

પોલીસે બંને વ્યક્તિઓની હાજરીમાં બેગની ચકાસણી કરીને તમામ રોકડ રકમ માધવજીભાઈને સોંપી દીધી હતી. પોતાનો કિંમતી સામાન સહીસલામત પરત મળતાં વૃદ્ધે રિક્ષાચાલકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વાશી પોલીસે રિક્ષાચાલક સાવંતની ઈમાનદારીની સરાહના કરી હતી અને અન્ય નાગરિકોને પણ તેમની આ પ્રામાણિકતામાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

(4:52 PM IST)