<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

બ્રિટનમાં વસતા સનાતન સમુદાય માટે ગૌરવપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ : અનુપમ મિશન દ્વારા ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું યુરોપનું પ્રથમ વિશેષ હિંદુ ક્રિમેટોરિયમ

પાંચ દાયકા લાંબા સંઘર્ષ અને કાનૂની લડત બાદ બકિંગહામશાયર ખાતે ‘ઓમ ક્રિમેટોરિયમ’ તૈયાર કરાયું : આગામી ૧૫ જુલાઈથી ૨૦ જુલાઈ દરમિયાન પૂજ્ય સંતોના હસ્તે ભવ્ય લોકાર્પણનું આયોજન

લંડન: યુનાઇટેડ કિંગડમ (UK) માં વસતા હિંદુ, શીખ અને જૈન સમુદાય માટે પાંચ દાયકાથી વધુ સમયના લાંબા સંઘર્ષ અને અભિયાન બાદ એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે. અનુપમ મિશન દ્વારા બ્રિટનના ડેન્હમ, બકિંગહામશાયર ખાતે ખાસ સનાતન સમુદાયની ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને સમર્પિત ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ અંત્યેષ્ટિ કેન્દ્ર “ઓમ ક્રિમેટોરિયમ” નું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિટનમાં વસતા ભારતીય પરિવારો વર્ષોથી અંતિમસંસ્કાર માટે પૂરતી જગ્યા, સમયની મર્યાદા અને ધાર્મિક શુદ્ધિકરણ જેવી મુશ્કેલીઓનો સામનો કરતા હતા, જેનો હવે અંત આવશે. આ પવિત્ર પ્રોજેક્ટનું લોકાર્પણ સદગુરુ સંત અશ્વિનદાદાના પ્રાગટ્યપર્વ નિમિત્તે તા. ૧૫ જુલાઈથી ૨૦ જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પૂજ્ય સંતોના વરદહસ્તે કરવામાં આવશે.

 

 ગ્રીન બેલ્ટના કાનૂની વિવાદો વચ્ચે આ રીતે મળી મંજૂરી:

આ પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૧૪માં લોર્ડ ડોલર પોપટે સમુદાયના અગ્રણીઓ વતી અનુપમ મિશનના ઉત્તર પશ્ચિમ લંડન સ્થિત વિશાળ મંદિર પરિસરમાં આયોજન કરવા વિનંતી કરી હતી. ૨૦૧૫માં લોર્ડ જિતેશ ગઢિયાના પ્રયાસોથી બ્રિટન સરકારે તમામ ધર્મોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી, જેમાં ૨૦૧૯ના અહેવાલે સ્પષ્ટ કર્યું હતું કે હિંદુ, શીખ અને જૈન વસ્તી ધરાવતા વિસ્તારોમાં યોગ્ય અંતિમવિધિની સુવિધાઓનો મોટો અભાવ છે. જોકે, બકિંગહામશાયર જિલ્લા પરિષદે ગ્રીન બેલ્ટ વિસ્તારમાં નુકસાન થવાની દલીલ આપીને મંજૂરી નકારી કાઢી હતી. આ નિર્ણય સામે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એક્ટની કલમ ૭૮ હેઠળ અપીલ દાખલ કરવામાં આવી હતી. કોરોનાકાળના કપરા સમયમાં પણ લોર્ડ જિતેશ ગઢિયા અને સાંસદ બોબ બ્લેકમેનના મજબૂત સમર્થનથી ઇન્સ્પેક્ટર કેટે મેકડોનાલ્ડ સમક્ષ થયેલી સુનાવણી બાદ ૧૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આ પ્રોજેક્ટને આખરી મંજૂરી મળી હતી.

 

 ઓમ ક્રિમેટોરિયમ ખાતે ઉપલબ્ધ આધુનિક અને ધાર્મિક સુવિધાઓ:

ભારતીય સનાતન પરંપરા અનુસાર અંત્યેષ્ટિની ૧૨ દિવસની ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોક્ત શુદ્ધિકરણને ધ્યાનમાં રાખીને આ સમગ્ર પરિસરને કુદરતી અને શાંત વાતાવરણમાં તૈયાર કરાયું છે. આ કેન્દ્રમાં નીચે મુજબની તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે:

  તમામ ઉપસ્થિત સ્વજનો માટે બેસવા તેમજ પ્રતિક્ષા માટેની આધુનિક વ્યવસ્થા.

  અંતિમવિધિ પૂર્વેની ધાર્મિક ક્રિયાઓ સંપન્ન કરવા માટે ખાસ ખાનગી રૂમ.

  નાના-મોટા ધાર્મિક સમારંભો માટે અને ૮૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ પ્રાર્થના હોલ.

  સ્થળ પર જ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલા બે અત્યાધુનિક ક્રિમેટર.

  ધાર્મિક શુદ્ધિકરણ માટે વિશેષ પવિત્ર જગ્યા અને મૃતદેહની પરિક્રમા માટે પૂરતી જગ્યા.

  વિધિ પૂર્ણ થયા બાદ ભોજન તેમજ સ્નાન માટેની સુવિધાઓ અને સુંદર કેન્ટીન વ્યવસ્થા.

  અંતિમ સંસ્કાર બાદ પરંપરાગત સમૂહ ભોજન માટે અલગથી વિશાળ હોલ.

 

 દાતાઓ અને સંતોના અથાક પરિશ્રમથી સાકાર થયું સ્વપ્ન:

સ્વામિનારાયણ પરંપરામાં મૂળ ધરાવતા અને ૧૯૭૮થી યુકેમાં સક્રિય એવા અનુપમ મિશનના સેવકો અને ભક્તોની અખંડ ભક્તિના પરિણામે આ કાર્ય પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં હિમ્મત સ્વામી, સતીશભાઈ ચતવાણી, વિનુભાઈ, શ્રીમતી ભાવિશાબેન અને અનુપમ મિશન યુકેના ટ્રસ્ટીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. આ સાથે જ ઇંગ્લેન્ડના અગ્રણી દાતાઓ પ્રદીપભાઈ ધામેચા, રૂપેનભાઈ વડેરા, શામજીભાઈ પટેલ, રમેશભાઈ કણસાગરા તેમજ ભીખુભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ તરફથી આ પ્રોજેક્ટ માટે ઉદાર હાથે દાન પ્રાપ્ત થયું હતું. લોકાર્પણના આ શુભ સમાચારથી ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપના સનાતન સમાજમાં અદ્ભુત આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. (અહેવાલ: સાધુ પીટરદાસ)

(12:21 AM IST)