<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ટ્રમ્પના ૨૦૦% ટેરિફના ધડાકા સામે ભારતીય ફાર્મા સેક્ટર માટે આશાનું કિરણ: FTA સોદાઓ બનશે તારણહાર, જાણી લો કયા દેશોમાં છે ઝીરો ટેરિફ!

યુએસએમાં ૧ ઓગસ્ટથી ૨ વર્ષ માટે ટેરિફ રાહત બાદ ૨૦૨૯ થી ભારે કરબોજ: યુકે, યુરોપિયન યુનિયન અને ન્યુઝીલેન્ડ સાથેના મુક્ત વેપાર કરારથી ભારતીય જેનેરિક દવાઓ માટે $૫૭૨.૩ બિલિયનના નવા બજારો ખૂલ્યા

નવી દિલ્હી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ધડાકેદાર જાહેરાતે સમગ્ર ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારે અફરાતફરી મચાવી દીધી છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ જેનેરિક દવાઓ પર ૨૦૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો જેનેરિક દવા નિકાસકાર દેશ છે અને તે વાર્ષિક $૯.૭ બિલિયન મૂલ્યની દવાઓ એકલા યુએસએમાં મોકલે છે. જોકે, રાહતની વાત એ છે કે આ નવી નીતિ હેઠળ ૧ ઓગસ્ટ, ૨૦૨૬ થી આગામી બે વર્ષ સુધી શૂન્ય ટકા આયાત ડ્યુટી રહેશે, ત્યારબાદ તબક્કાવાર વધીને ૨૦૨૯ માં ૨૦૦ ટકા સુધી પહોંચશે. આ પગલું અમેરિકાએ પોતાની સ્થાનિક નિર્ભરતા વધારવાના આશયથી લીધું છે, જે ભારતીય કંપનીઓ માટે મોટો આર્થિક પડકાર ઉભો કરે છે.

પરંતુ અમેરિકાના આ આંચકા સામે વિવિધ દેશો સાથે ભારતે કરેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સંકટમોચક સાબિત થઈ રહ્યા છે. યુકે (બ્રિટન) સાથે થયેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર હેઠળ ભારતીય જેનેરિક દવાઓ અને સર્જિકલ તેમજ ડાયગ્નોસ્ટિક સાધનો પર શૂન્ય ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ સિવાય ન્યુઝીલેન્ડે પણ મુક્ત વેપાર કરાર હેઠળ ભારતીય દવાઓ પરનો ૫ ટકા ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે, જેથી ન્યુઝીલેન્ડના બજારમાં પણ ભારતીય દવાઓની પહોંચ શૂન્ય ટેરિફ સાથે સરળ બની છે.

સૌથી મોટી આશા યુરોપિયન યુનિયન (EU) સાથેના મુક્ત વેપાર કરારથી જાગી છે. ૨૦૨૭ થી સંપૂર્ણપણે અમલમાં આવનારા આ કરારથી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે યુરોપના ૨૭ દેશોના અંદાજે $૫૭૨.૩ બિલિયનના વિશાળ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ટેકનોલોજી બજારના દરવાજા ખુલી ગયા છે. ભારતે ૨૦૨૪-૨૫માં વિશ્વભરમાં $૩૦.૫ અબજની દવાઓની નિકાસ કરી હતી. જો યુએસએમાં ૨૦૨૯ થી ટેરિફનો બોજ વધશે, તો પણ યુકે, યુરોપ અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથેના ઝીરો-ટેરિફ સોદાઓ ભારતીય ફાર્મા ઉદ્યોગને આર્થિક કટોકટીમાંથી ઉગારી લેશે.

(10:59 PM IST)